Gujarat

7 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ધરપકડ પહેલા આરોપી સામે ચાર્જશીટ

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે બે મહત્વના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં એક તરફ કોર્ટે પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારનાર 40 વર્ષીય આરોપીને સખત આજીવન કેદની સજા ફટકારીને સમાજમાં દાખલો બેસાડ્યો છે. કોર્ટે સ્ત્રી સન્માન પર ચાણક્યના નીતિવચનો ટાંકીને પીડિતાને રૂ. 6 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. તો બીજી તરફ, કરોડોના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં DRI ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં આરોપીની ધરપકડ કર્યા વિના જ ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવતા કોર્ટે આરોપીની કસ્ટડીને ગેરકાયદે ઠેરવી છે.

ચોકલેટની લાલચ આપી આરોપીએ માસૂમને પીંખી હતી ઘટનાની વિગતો મુજબ, 17 એપ્રિલ 2022ના રોજ પાંડેસરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. માત્ર ચાર વર્ષની માસૂમ બાળકી જ્યારે ઘર પાસે રમી રહી હતી, ત્યારે 40 વર્ષીય આરોપી રમેશ ઉર્ફે અજય પરમારની નજર તેના પર પડી હતી.

આરોપીએ માસૂમને ચોકલેટ આપવાની લાલચ આપી ફોસલાવી હતી અને તેને અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં આરોપીએ બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. લોહીલુહાણ હાલતમાં રડતી રડતી બાળકી ઘરે પહોંચી અને માતાને પોતાની સાથે થયેલી આપવીતી જણાવી, જેના આધારે તુરંત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

કોર્ટનું અવલોકન ‘જ્યાં નારીની પૂજા ત્યાં ભગવાનની કૃપા’ આ કેસમાં સ્પેશિયલ કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. સરકારી વકીલ વિશાલ ફળદુની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખતા કોર્ટે મનુસ્મૃતિ અને ચાણક્યના શ્લોકો ટાંક્યા હતા. કોર્ટે નોંધ્યું કે, “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ” એટલે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. કોર્ટે વધુમાં ઉમેર્યું કે ચાણક્યના મતે સ્ત્રી અમૂલ્ય રત્ન છે, કોઈ વસ્તુ કે અલંકાર નથી. આ ચુકાદા દ્વારા કોર્ટે સ્ત્રીઓની સુરક્ષા અને ગરિમા જાળવવા પર ભાર મૂક્યો છે.