Gujarat

દરિયાઈ વિસ્તારોમાં શંકાસ્પદ બોટોનું ચેકિંગ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય ખેંચતાણને પગલે ભારતીય દરિયાઈ સુરક્ષાને વધુ સુદ્રઢ અને અભેદ્ય બનાવવી અતિ આવશ્યક છે. સામાન્ય રીતે કોઈપણ આતંકવાદી ઘટના સમયે કે તેના તુરંત બાદનો સમયગાળો હાઈ એલર્ટનો હોઈ ખૂબ જ કટોકટીપૂર્ણ હોય છે. પરંતુ, સુરક્ષા નિષ્ણાતોના મતે આ બંને ગાળાઓ કરતાં પણ વધુ મહત્વનો સમય હાઈ એલર્ટ બાદ પરિસ્થિતિ સામાન્ય બને ત્યારનો હોય છે. જો આ શાંતિના સમયગાળામાં પૂરતી તકેદારી રાખવામાં આવે, તો ભવિષ્યની મોટી કટોકટીઓને આવતા પહેલાં જ રોકી શકાય છે.

આ જ વ્યૂહાત્મક બાબતને ધ્યાને રાખીને, રાષ્ટ્રીય સલામતી તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે જામનગરના દરિયાઈ વિસ્તારને સુરક્ષિત કરવાના હેતુથી રસૂલનગર, સિક્કા જીએસએફસી જેટી તેમજ સોલ્ટ ગેટ ચેનલ સહિતના સમગ્ર કોસ્ટલ બેલ્ટમાં એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં ATS અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા , દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના એ.એમ. મુનિયા તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશનનું આયોજન કરાયું હતું.