Gujarat

કોબના માથાભારે શખ્સનો પોલીસ પર હુમલો

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામમાં આતંક મચાવનાર એક કુખ્યાત શખ્સે પોલીસ પર પણ હુમલો કર્યો છે. હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં ઝડપાયેલા આ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરતી વખતે પોલીસે તેને હાથે-પગે દોરડાથી બાંધવાની ફરજ પડી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ચાર દિવસ પહેલા કોબ ગામે એક યુવાન પર જીવલેણ હુમલો થયો હતો. કુખ્યાત શખ્સ ‘યાગી’ ઉર્ફે નરેન્દ્ર અને તેના ત્રણ સાગરીતોએ એક યુવાનના માથામાં છરીનો ઘા ઝીંકી પાઇપ જેવા હથિયાર વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ચારેય શખ્સો સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેમને ઝડપી પાડ્યા હતા.

નવાબંદર મરીન પોલીસના અધિકારી શ્રી રાઠોડે મીડિયાને જણાવ્યું કે, પકડાયેલો મુખ્ય આરોપી યાગી ઉર્ફે નરેન્દ્ર અત્યંત ખૂંખાર અને માથાભારે છે. તેને પોલીસ સ્ટેશન લાવ્યા બાદ તેણે ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ જીતેશભાઈ દમણીયાના માથા સાથે પોતાનું માથું જોરથી ભટકાવી દીધું હતું, જેના કારણે પોલીસકર્મીને ગંભીર ઈજા થઈ હતી અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.