ગાંધીનગરના સેક્ટર-૨૭માં રહેતા પીડીતાએ તેમના પતિ, સાસુ-સસરા અને નણંદ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ તેમજ દહેજની માંગણી અંગે ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વર્ષ ૨૦૧૧માં અમદાવાદના નારણપુરા ખાતે રહેતા અને વ્યવસાયે મેડિકલ ઓફિસર એવા પંકજકુમાર ચૌધરી સાથે તેમના લગ્ન થયા હતા. ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૧૪ પછી પતિનું વર્તન બદલાયું હતું અને તે અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવતા હોવાની શંકા જતા પીડીતાએ તેમના પતિને પૂછપરછ કરી હતી, જેના બદલામાં તેમને માર મારવામાં આવ્યો હતો. સાસરી પક્ષના સભ્યો તેમને ઘરકામ બાબતે હેરાન કરતા અને પિયરમાંથી વધુ પૈસા લાવવા માટે દહેજના મેણાં મારી માનસિક ત્રાસ આપતા હતા.
વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પતિ અને સાસરી પક્ષે તેમના ૧૩ વર્ષના દીકરાને તેમની જાણ બહાર સુરત ખાતે નણંદના ઘરે મોકલી દીધો છે અને માતાને દીકરા સાથે વાત કરવા કે મળવા દેવામાં આવતી નથી. પીડીતાના પિયર પક્ષ તરફથી મળેલ અંદાજે ૩૦ તોલા સોનાના દાગીના અને લાખોની રોકડ રકમ પણ સાસરીવાળાએ પડાવી લીધી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ગત સપ્ટેમ્બરમાં સાસરીયાઓએ તેમને ઘરમાંથી કાઢી મૂકતા તેઓ હાલ પિયરમાં રહે છે, જેના આધારે પોલીસે ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

