Gujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની 27 મુદ્દાઓને લઈને ચૂંટણી પંચને ફરિયાદ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું. જો કે ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધી ભાજપ દ્વારા પોલીસ અને તંત્રનો ખૂબ દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઉમેદવારોને ધાક ધમકી આપવાથી લઈને ગુંડાગર્દી કરવામાં આવી હોવાનો ભાજપ પર અને પોલીસ પર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, અલગ-અલગ 27 મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે તેમજ ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરે એવી માંગ પણ કરવામાં આવી છે.

અમુક જગ્યાએ રાતોરાત મતદાર મથક બદલી દેવામાં આવ્યા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદારોએ ભાગ લીધો હતો. ભાજપના તમામ કાવાદાવા, ધામ ધમકી અને ગેરબંધારણીય રીતે જે પ્રક્રિયા કરવામાં આવી તેની સામે યોદ્ધા તરીકે લડવા માટે કોંગ્રેસના ઉમેદવારોને અભિનંદન આપું છું. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાથી શરૂઆતથી જ ઉમેદવારોની ફોર્મ ના ભરવા દેવા માટે અને અપક્ષ ફોર્મ ભરાવા માટે પોલીસનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.

પ્રચાર પ્રસાર કરતા સમયે પણ પોલીસ તંત્ર અને ચૂંટણી પંચ એક તરફી રહ્યું હતું. ભાજપના ઉમેદવારો દારૂ પૈસાની વિતરણ કરતું હોય તો રોકવા જતા કોંગ્રેસમાં ઉમેદવારો પર હુમલો કરવામાં આવતો હતો. ગઈકાલે અને આજે પણ ગુંડાગર્દી જોવા મળી હતી. કેટલીક જગ્યાએ રાતોરાત મતદાર મથક બદલી દેવામાં આવ્યા છે. અનેક જગ્યાએ મતદારોનો મતનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હતો.