ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માઘ મેળા દરમિયાન સ્વામી શંકરાચાર્યનું અપમાન અને સાધુ-સંતોને માર મારવાના મામલે જામનગરમાં કોંગ્રેસે લાલ બંગલા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુપી-કેન્દ્ર સરકાર વિરૂદ્ધ કાર્યકરોએ સુત્રોચ્ચાર કર્યાં હતા. તેમજ રસ્તા રોક્યા હતા. જેને પગલે પોલીસે ટીંગાટોળી કરી કાર્યકરોની અટકાયત કરી હતી.
કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા કોંગ્રેસે યુપીની યોગી સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, યુપી સરકાર હિન્દુત્વની ખોટી વાતો કરી રહી છે અને આવી ઘટનાઓ બનવા છતાં કેન્દ્ર સરકાર મૌન છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રસ્તા રોકવામાં આવ્યા હતા.

પ્રદર્શનકારીઓએ “શંકરાચાર્યનું આ અપમાન સહન નહીં કરીએ,” “ધાર્મિક વિરાસતોને તોડવાનું બંધ કરો,” “યુપી સરકાર હાય હાય” અને “ભાજપ સરકાર હાય હાય” “જબ જબ ભાજપ ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ” જેવા નારા લગાવ્યા હતા.
શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું કે, પ્રયાગરાજમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ગઈકાલે માઘ મેળામાં સ્નાન કરવા જઈ રહ્યા હતા, ત્યારે તેમને રોકવામાં આવ્યાં હતા અને એમના ભક્તો પર UP પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો હતો.

આના પરથી સાબિત થાય છે કે, હિન્દુત્વની વાતો કરનારી સરકાર કોઈને પણ છોડવા માંગતી નથી. ભાજપ સરકાર હિન્દુ વિરોધી છે એ સાબીત થાય છે તેઓનો પાપનો ઘડો ભરાઈ ગયો છે.
જે યુપીની સરકાર હિન્દુની વાતો કરે છે ત્યા જ આવો અન્યાય થઈ રહ્યો છે. અમે સર્વ ધર્મમાં માનનારા છીએ જ્યા પણ અત્યાચાર થશે ત્યા અમે અવાજ ઉઠાવીશું. આજે અમે સુત્રોચ્ચાર કરીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે.

