Gujarat

પેપર લીક અને વધતી મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન

દેશભરમાં NEET સહિતની પરીક્ષાઓના પેપર લીક કૌભાંડો અને સતત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસે દેશવ્યાપી આંદોલન છેડ્યું છે. આ અંતર્ગત જામનગરમાં યોજાયેલા ધરણા પ્રદર્શન દરમિયાન પૂર્વ સાંસદ વિક્રમ માડમે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી.

મીડિયા સાથે વાત કરતા વિક્રમ માડમે જણાવ્યું હતું કે, NEET હોય કે અન્ય કોઈ પણ સરકારી ભરતીની પરીક્ષાઓ, સતત પેપર લીક થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ કૌભાંડોને કારણે દેશના લાખો યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, કેન્દ્ર સરકાર યુવાનો સાથે થઈ રહેલો અન્યાય અને શિક્ષણ ક્ષેત્રે વ્યાપેલા ભ્રષ્ટાચારને રોકવામાં નિષ્ફળ રહી છે, તેથી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ.

વિક્રમ માડમે સરકારની આર્થિક નીતિઓ પર પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ સસ્તું હતું, ત્યારે ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધારીને જનતા પાસેથી ખરબો રૂપિયા એકઠા કર્યા હતા. પરંતુ આજે જ્યારે જનતા મુશ્કેલીમાં છે, ત્યારે સરકારે મોંઘવારીનો માર ચાલુ રાખ્યો છે.

તેમણે ગેસ સિલિન્ડરના મુદ્દે આક્ષેપ કર્યો કે, પહેલાં વર્ષમાં 12 સિલિન્ડર અપાતા હતા, પછી ઘટાડીને 9 કર્યા અને હવે માત્ર 4 સિલિન્ડર કરી દેવામાં આવ્યા છે. આ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને લૂંટી રહી છે. વિક્રમ માડમે જણાવ્યું હતું કે, ભાજપનો એક જ એજન્ડા છે – સામ, દામ, દંડ, ભેદથી સત્તા મેળવવી.