Gujarat

કોંગ્રેસે દૂધના ભાવ મુદ્દે આંદોલનની ચીમકી આપી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસે દૂધના ભાવ, સાબરડેરીના વહીવટ અને નશાના કારોબાર મુદ્દે આંદોલનની ચીમકી આપી છે, જેના દ્વારા દૂધ ઉત્પાદકોને હકનો ભાવ અપાવવાની વાત કરાઈ છે. નેતાઓએ દૂધ ઉત્પાદકોના હકની લડાઈને ‘દૂધ વર્સિસ દારૂ’ની લડાઈ ગણાવીને જિલ્લાવાર બેઠકો દ્વારા લડત શરૂ કરવાના સંકેત આપ્યા છે.

કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે બજારમાં દૂધના વેચાણ ભાવ વધી રહ્યા છે. બીજી તરફ દૂધ ઉત્પાદકોને તે પ્રમાણે વળતર મળતું નથી. વેચાણ ભાવ અને પશુપાલકોને મળતા ખરીદ ભાવ વચ્ચે તફાવત હોવાનો દાવો કરીને સંગઠિત લડત શરૂ કરવાની વાત કરાઈ છે.નેતાઓએ સાબરડેરી સહિત વિવિધ દૂધ સંઘોના ટેન્ડર અને વાહનોની ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો કર્યા છે. અન્ય કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવાયો છે. ડેરીનાં નાણાં રાજકીય કાર્યક્રમોમાં વપરાતાં હોવાનું જણાવી દૂધ ઉત્પાદકોનાં હિતને પ્રાથમિકતા આપવાની માંગ કરાઈ છે.

કોંગ્રેસના નેતાઓએ દૂધ ઉત્પાદકોના હકની લડાઈને ‘દૂધ વર્સિસ દારૂ’ની લડાઈ ગણાવી છે. તેમણે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના નેટવર્ક સામે સામાજિક આંદોલન ઊભું કરવાની અપીલ કરી છે. નશાના કારોબારને લઈને સરકાર અને પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવાયા છે.કાર્યક્રમમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત કરવાની ચર્ચા થઈ છે. કાર્યકરોને બૂથ મેનેજમેન્ટ મજબૂત કરવા અને વોટ રક્ષકોની નિમણૂક કરવા જણાવાયું છે. મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા પ્રયાસો કરવા પણ કહેવાયું છે.