દહેગામ તાલુકાના ઘારીસણાથી રખિયાલ વચ્ચેનો 5 કિલોમીટરનો રસ્તો 10 વર્ષથી બગડેલો હતો, જેના કારણે લોકોએ 10 કિલોમીટર ફરીને જવું પડતું હતું. તંત્ર દ્વારા હવે આ માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રસ્તો બનવાથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને મોટી રાહત થશે. ગાંધીનગરના દહેગામ તાલુકામાં આવેલા ઘારીસણાથી રખિયાલ જવાના મુખ્ય માર્ગને ફરી બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે. છેલ્લા 10 વર્ષથી તૂટેલા આ મહત્વના રસ્તા પર વિભાગ દ્વારા કામ હાથ પર લેવામાં આવ્યું હતું.
આ માર્ગ ઘારીસણા, પટેલપુરા, સગદલપુર અને રખિયાલ જેવા ગામોને એકબીજા સાથે જોડે છે. આ બંને મુખ્ય ગામો વચ્ચેનું અંતર માત્ર 5 કિલોમીટર છે, પરંતુ રસ્તા પર મોટા ખાડા હોવાથી વાહનચાલકોએ 10 કિલોમીટર લાંબો ફેરો ખાવો પડતો હતો. ખાસ કરીને ચોમાસામાં પાણી ભરાવાના કારણે અકસ્માતો થતા હતા. આ સ્થિતિને લીધે ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને દર્દીઓને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલી નડતી હતી. લોકોએ આ બાબતે અગાઉ લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરી હતી.

