સુરત જિલ્લાના બારડોલી ટાઉન પોલીસ દ્વારા બાઈક ચોરીના વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી એક યુવક અને એક બાળ કિશોરને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરી કરવામાં આવેલી ₹10,000ની અંદાજિત કિંમત ધરાવતી હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ કબજે કરી છે. આ અંગે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પાર્કિંગમાંથી બાઈકની થઈ હતી ચોરી ગત 21 સપ્ટેમ્બર, 2026ના રાત્રે 8 વાગ્યાથી 22 સપ્ટેમ્બર, 2026ના સવારે 10 વાગ્યા દરમિયાન બારડોલીના બાબેન ગામ સ્થિત રોયલ પાર્ક એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી કાળા રંગની મોટરસાઈકલ ચોરાઈ હતી. આ મામલે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે વાહન ચોરીના આ ગુનાનો ભેદ ઉકેલવા ત્વરિત ચક્ર ગતિમાન કર્યા હતા.
તપાસ દરમિયાન મળ્યા ચોક્કસ પુરાવા ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. સેગલના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સપોર્ટ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બે ઈસમો નંબર પ્લેટ વગરની ચોરીની બાઈક વેચવા માટે લિંબડા ચોક તરફ આવી રહ્યા છે, જેના આધારે વોચ ગોઠવવામાં આવી હતી.

