સાયબર ઠગાઈના કેસોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં વર્ષ ૨૦૨૪માં સાયબર ક્રાઇમની ૧.૬૮ લાખથી વધુ ફરિયાદો સાથે ગુજરાત અગ્રણી રાજ્યોમાં સામેલ છે, ત્યાં સાયબર ક્રાઈમ તપાસ વિભાગ ગાંધીનગરમાં એક અલગ, સ્ટેન્ડઅલોન ટીમ વિકસાવી રહ્યો છે, જેના માટે અલગ ઓફિસનું નિર્માણ કરવામાં આવશે. આ રાજ્યમાં પોતાની જાતની પ્રથમ સુવિધા હશે. હાલ સેક્ટર-૯માં જ્યાં એરફોર્સનુું સ્વાક હેડક્વાર્ટર હતું તે જ જગ્યાએ નવા નિર્માણ થનાર બિલ્ડિંગમાં પર્યાવરણમૈત્રી રચનાના ભાગરૂપે વિશાળ હરિયાળી સામેલ રહેશે. નવી બનનાર બિલ્ડીંગ કુલ ૧૪ હજાર ચોરસમીટર બિલ્ડીંગમાં નિર્માણ પામશે.
સાથે જ અદ્યતન ફોરેન્સિક લેબ, સમર્પિત કોલ સેન્ટર અને આંતરરાષ્ટ્રીય ધોરણના સાધનોની ખરીદી માટે બજેટમાં જાેગવાઇ થશે. એક વખત આ સેન્ટર ઓફ એક્સેલન્સ તૈયાર થઈ જશે ત્યારબાદ રાજ્યભરમાં આશરે ૧૧૦૦ વિશેષ તાલીમ પ્રાપ્ત પોલીસકર્મીઓની ટીમ રચાશે. તેમાં કેટલાક નવા અને કેટલાક અનુભવી પોલીસકર્મીઓને સામેલ કરવામાં આવશે, જે ફોરેન્સિક સાયબર એનાલિસિસમાં સ્વતંત્ર તપાસ કરશે અને બહારના નિષ્ણાતો પર ર્નિભરતા ઘટાડશે. આ તમામ સાયબર અપરાધના કેસો માટે એકમાત્ર કેન્દ્રબિંદુ રહેશે અને મહારાષ્ટ્ર પછી ભારતનું બીજું આવું હબ બનશે. વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ અને સંલગ્ન જગ્યાઓ માટે ૨૯૯ કરોડ રૂપિયાની જાેગવાઇ કરવામાં આવી છે, જ્યારે કુલ ૩૫૨ કરોડ રૂપિયા સાયબર અપરાધ નિયંત્રણ પ્રોજેક્ટ્સ માટે ફાળવવામાં આવ્યા છે.
પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આશરે ૧૧૦૦ પોલીસકર્મીઓની વિશેષ ટીમ માત્ર સાયબર અપરાધ એકમ તરીકે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. આ પગલું ઇન-હાઉસ નિષ્ણાતી વિકાસ અને કામગીરીની સ્વતંત્રતાની દિશામાં મોટું સાબિત થશે. ટીમના સભ્યોને ફોરેન્સિક સાયબર તકનીકોમાં અદ્યતન તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ જટિલ આંતરરાષ્ટ્રીય તપાસો અને અદ્યતન ડિજિટલ પુરાવાનો વધુ સારી રીતે વિશ્લેષણ કરી શકશે. આ પ્રોજેક્ટ માટે પહેલેથી જ મંજૂરી મળી ચૂકી હતી, પરંતુ જે જમીન પર તેને બનાવવાનું હતું તે એરફોર્સ હસ્તક હતી. આર એન્ડ બી દ્વારા તે જમીનનો કબજાે સ્વીકારી ફરી પોલીસ વિભાગને સોંપવાની કાર્યવાહી પૂર્ણતાના આરે છે.
જમીનનો કબજાે મળ્યા બાદ નિર્માણ કાર્ય શરૂ કરાશે. સૂચિત બિલ્ડિંગમાં પર્યાવરણ સંરક્ષણ પર ખાસ ભાર રહેશે, જેમાં વિશાળ હરિયાળી અને સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામેલ હશે, જે સાયબર ઓપરેશન્સ માટે પર્યાવરણમૈત્રી પરંતુ ઉચ્ચ તકનીકી કાર્યસ્થળ પૂરું પાડશે. આ બિલ્ડીંગમાં વિસ્તૃત સાયબર તપાસ માટે સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ફોરેન્સિક લેબોરેટરી હશે, સાથે જ રિયલ-ટાઈમ બેકએન્ડ સપોર્ટ, પીડિત સહાય અને સંકલન માટે સમર્પિત કોલ સેન્ટર પણ હશે. રાજ્યના બજેટમાં આંતરરાષ્ટ્રીય ધોરણના ઉચ્ચ ગુણવત્તાવાળા સાધનોની ખરીદીની જાેગવાઇ માટે દરખાસ્ત કરાશે, જે ખતરા શોધ, પુરાવા પુન:પ્રાપ્તિ અને ડિજિટલ ઇન્ટેલિજન્સમાં વૈશ્વિક સ્તરની ક્ષમતા સુનિશ્ચિત કરશે.

