Gujarat

સુરતમાં ગણેશ પંડાલ સામે ડાન્સનો વિવાદ

સુરત શહેરમાં ગણેશોત્સવ દરમિયાન ગણેશ પંડાલની પવિત્રતા જોખમાય એવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલા એક ગણેશ પંડાલ અને બાળકોની સામે ડીજેના તાલે ભોજપુરી ગીતો પર યુવતીઓ પાસે અશ્લીલ ડાન્સ કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હિન્દુ સંગઠનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

બજરંગદળના કાર્યકરો પંડાલ પર પહોંચ્યા આ વીડિયો ગોડાદરા વિસ્તારનો હોવાનું ધ્યાને આવતા જ બજરંગદળના ગોડાદરા વિસ્તારના સંયોજક નવનીત પાંડે પોતાના કાર્યકરો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. પંડાલના આયોજકો સમક્ષ તેમણે આ પ્રકારના અશ્લીલ નૃત્ય સામે ભારે રોષ વ્યક્ત કરી કડક વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ આયોજકોને આડે હાથ લઈ સમજાવ્યું હતું કે પવિત્ર ધાર્મિક મહોત્સવમાં આવા આયોજનો કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

આયોજકે હાથ જોડીને માફી માંગી બજરંગદળના ઉગ્ર વિરોધ અને લોકોની નારાજગી બાદ પંડાલના આયોજકે ભગવાન ગણેશજીની પ્રતિમા સમક્ષ ઊભા રહીને હાથ જોડી માફી માંગી હતી. આયોજકે કબૂલ્યું હતું કે તેમનાથી ભૂલ થઈ ગઈ છે અને ભવિષ્યમાં ક્યારેય આવા કાર્યક્રમો કે અશ્લીલ નૃત્યનું આયોજન કરવામાં નહીં આવે. આ સાથે તેમણે સમગ્ર હિન્દુ સમાજની પણ ક્ષમા માંગી હતી.