ગુરુપૂર્ણિમાના પાવન પર્વની પૂર્વ સંધ્યાએ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા SMVS સ્વામિનારાયણ સંસ્થાના વડા ગુરુવર્ય સત્યસંકલ્પદાસજી સ્વામીના પાવન દર્શન તથા પૂજનાર્થે પધાર્યા હતા.
રાજ્યની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના આ પવિત્ર પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ ગુરુવર્ય સ્વામીના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ મુલાકાત દરમ્યાન તેમણે સમગ્ર ગુજરાત રાજ્યની સુખ-સમૃદ્ધિ, સર્વાંગી વિકાસ, શાંતિ તથા જનકલ્યાણ માટે પ્રભુચરણોમાં પ્રાર્થના વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે જગદીશ વિશ્વકર્મા છેલ્લા અનેક વર્ષોથી ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે 1 પણ વર્ષ ચૂક્યા વિના અચૂક ગુરુચરણોમાં દર્શન અને વંદન કરવા પધારતા રહ્યા છે. ગુરુ પ્રત્યેની તેમની આ અડગ શ્રદ્ધા, અવિચળ આસ્થા અને ભારતીય ગુરુ-શિષ્ય પરંપરા પ્રત્યેનો તેમનો વિશેષ ભાવ સમાજ માટે પ્રેરણાદાયી બની રહ્યો છે.

સ્વામીના શુભાશિષ ગુરુવર્ય સ્વામીએ પણ જગદીશ વિશ્વકર્માને હૃદયપૂર્વક આશીર્વાદ આપતાં તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય તેમજ સમાજ અને રાષ્ટ્રસેવાના કાર્યોમાં સતત સફળતા પ્રાપ્ત થાય તે માટે શુભાશિષ પાઠવ્યા હતા.

