કડીના સુજાતપુરા રોડ પર આવેલા અંડરબ્રિજમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઇન્ડિકા કાર દિવાલ સાથે અથડાતા કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી. મૃતક ચાલકની ઓળખ કડીના નાની કડી વિસ્તારમાં આવેલી સંતરામ સિટીની સરદાર રેસીડેન્સીમાં રહેતા હરેશભાઈ શાંતિલાલ દરજી (ઉંમર આશરે ૫૫ વર્ષ) તરીકે થઈ છે. તેઓ દરજીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અકસ્માતમાં તેમના સંબંધી શરદભાઈ ડાયાભાઈ ત્રિવેદીને ઈજા પહોંચી હતી.
હરેશભાઈ અને શરદભાઈ પોતાની ઇન્ડિકા ગાડી (નંબર GJ 1 HS 3578) લઈને કડી બજારમાં કામ અર્થે નીકળ્યા હતા. ધરતી સિટી થઈને સુજાતપુરા રોડ પરના અંડરબ્રિજમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતા ગાડી બ્રિજની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને બંને ઈજાગ્રસ્તોને કડીની ભાગ્યદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. હોસ્પિટલના તબીબોએ હરેશભાઈ દરજીને મૃત જાહેર કર્યા હતા, જ્યારે શરદભાઈની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

