જામનગર સ્થાનિક ગુના શોધક શાખાએ શહેર-જિલ્લાની જુદી જુદી આઠ વાહન ચોરીનો ભેદ ઉકેલી નાખતા તસ્કર ગેંગના સુત્રધાર મનાતા શખસને દબોચી લીઘો હતો.જયારે કાયદાથી સંઘર્ષિત બે કિશોરની સંડોવણી ખુલી હતી.પોલીસે રૂા. બે લાખના આઠ ચોરાઉ બાઇક કબજે કરી પકડાયેલા શખસની સઘન પુછપરછ સાથે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.
એલસીબી પીઆઈ વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી.ભાટીયા તથા ટીમે વાહનચોરીનો મોટો ભેદ ઉકેલ્યો છે. જેમાં એલસીબી ટીમે બાતમીના આધારે મહાપ્રભુજી બેઠક પાસે બેંક સામે બાવળની કાંટાળી ઝાડીઓમાંથી ચાર બાઇક અને બેડી ઓવરબ્રિજ નીચેથી ચાર સહિત કુલ આઠ ચોરાઉ બાઇક કબજે કર્યા હતા.
એલસીબીને આરોપી વિમલ વિઠ્ઠલભાઇ કાકરેજા(રે. મોટા લખીયા,તા. લાલપુર) અને કાયદાથી સંઘર્ષિત બે કિશોરને સકંજામાં લીઘા હતા.પોલીસ પુછપરછમાં આરોપીએ સાગરીતો સાથે શહેર-જિલ્લામાંથી જુદા જુદા આઠ બાઇક ચોરી કર્યાનુ કબુલ્યુ હતુ. પોલીસે રૂા. બે લાખની કિંમતના આઠેય બાઇક કબજે કરી પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં જામનગર સીટી એ,બી અને સી ઉપરાંત મેઘપર પડાણા પોલીસ સ્ટેશન સહિત જુદા જુદા મથકોમાં નોંધાયેલા આઠ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

