Gujarat

વિસાવદરના મોટા કોટડા પાસે ટ્રકના ગુપ્ત ચોરખાનામાંથી ₹12.45 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

જૂનાગઢ જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ થાય તે પહેલા જ જૂનાગઢ રેન્જ આઈ.જી. પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બગસરા–બીલખા રોડ પર મોટા કોટડા ગામના વોકળાના પુલ નજીક કલાભાઈ મોહનભાઈ મેઘાણીના ખેતર સામેથી પોલીસે એક ટ્રકને ઈંગ્લીશ દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.

ટ્રકના ઠાઠામાં લોખંડ-લાકડાની પ્લેટો અને નટ-બોલ્ટ ફીટ કરી વિશેષ ચોરખાનું બનાવ્યું આ રેડમાં પોલીસે ઘટનાસ્થળેથી 25 વર્ષીય આરોપી આલાભાઈ મેપાભાઈ સાવધારીયાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ ગેરકાયદેસર રીતે બહારથી ઈંગ્લીશ દારૂ લાવવા માટે ટ્રકના ઠાઠામાં લોખંડ અને લાકડાની પ્લેટો તથા સ્ક્રુ અને નટ-બોલ્ટ ફીટ કરાવી વિશેષ બનાવટનું ગુપ્ત ચોરખાનું તૈયાર કરાવ્યું હતું.

પોલીસે ટ્રકના આ ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો કબજે કરી છે, જેની કિંમત ₹12,45,182 થાય છે. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલ ₹10,00,000ની કિંમતનો ટાટા ટોરસ ટ્રક અને ₹9,000ના બે મોબાઈલ ફોન મળી કુલ ₹22,54,182નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

વાપી ટોલનાકા પાસેથી દારૂ ભરવામાં આવ્યો હતો આ ગુનામાં અન્ય ત્રણ આરોપીઓ સ્થળ પર હાજર નહીં મળી આવતા પોલીસે તેમને ફરાર જાહેર કર્યા છે. ફરાર આરોપીઓમાં દારૂનો જથ્થો મંગાવનાર દેવાભાઈ નારણભાઈ સાવધારીયા, વાપી ટોલનાકા પાસે ટ્રક મેળવી તેમાં દારૂ ભરી આપનાર અજાણ્યો શખસ તેમજ તપાસ દરમિયાન જે કોઈ નામ ખુલે તે તમામનો સમાવેશ થાય છે. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી ફરાર શખ્સોને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.