ગાંધીનગરના કલોલ તાલુકાના છત્રાલ વિસ્તારમાં ગરમ કપડાના વેપારીનો મોબાઈલ હેક કરી સાયબર ઠગોએ બેંક ખાતાના યુપીઆઇ આઇડી મારફતે 50 હજારની રકમ સેરવી લેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. મોબાઈલમાં ઓટોમેટિક સોફ્ટવેર અપડેટ થવા લાગ્યું ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના મૂળ રહેવાસી અને હાલ છત્રાલ મહેતા પાર્લર પાસે ઝેકેટના શેડમાં રહેતા સનિલકુમાર દાતારામ ખેમસીંગ રાઠોડનો મોબાઈલ ગત 13 નવેમ્બરના રોજ સાંજના અચાનક બંધ થઈ ગયો હતો. ત્યારબાદ જાતે જ ચાલુ થઈને સોફ્ટવેર અપડેટ થવા લાગ્યો હતો.
પેમેન્ટ કરવા પ્રયાસ કરતા ઇનસફિશિયન્ટ બેલેન્સ બતાવ્યું આ પ્રોસેસ આશરે 40 મિનિટ સુધી ચાલી હતી અને પોણા છ વાગ્યાની આસપાસ ફોન ચાલુ થતાં સામાન્ય સ્થિતિમાં કામ કરતો હતો. ત્યારબાદ સાંજે છ વાગ્યાની આસપાસ તેઓએ ભારત પે નો બારકોડ સ્કેન કરી 100 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવા પ્રયાસ કરતા ખાતામાં ઇનસફિશિયન્ટ બેલેન્સ બતાવ્યું હતું.
અજાણ્યા શખ્સે 50,000 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા જેથી શંકા જતાં તેમણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કલોલ ઉના શાખામાં આવેલા પોતાના સેવિંગ્સ એકાઉન્ટનું બેલેન્સ ચેક કર્યું હતું. જેમાં તેમના ખાતામાંથી યુપીઆઈ માધ્યમથી કોઈ અજાણ્યા શખ્સે 50,000 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના અંગે તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઈન પર ફોન કરીને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે મામલે કલોલ તાલુકા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

