સંખેડા તાલુકામાંથી પસાર થતી નર્મદાની સંખેડા બ્રાન્ચ કેનાલ પરનો રસ્તો હાલમાં અત્યંત દયનીય અને બિસમાર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર મોટા-મોટા ગાબડાં પડી ગયા છે અને ડામર ઉખડી ગયો છે, જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ નર્મદા કેનાલ પરનો રસ્તો મુખ્યત્વે માંજરોલ અને બહાદરપુર ગામના ખેડૂતો માટે ખેતરે જવા તેમજ અવરજવર કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ એટલે કે આશીર્વાદરૂપ સાબિત થાય છે. ખેડૂતો પોતાના પાક અને ખેતીના સાધનોની હેરાફેરી માટે આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. જો કે, રસ્તાની હાલત અત્યંત ખરાબ હોવાને કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કેનાલની બાજુનો રસ્તો તૂટી ગયો છે અને ખાડાઓના કારણે વાહનો ચલાવવા જોખમી બન્યા છે. રાત્રિના સમયે અથવા અજાણ્યા વાહનચાલકો માટે અહીં અકસ્માત સર્જાવાની પૂરી સંભાવના રહેલી છે. સ્થાનિક ખેડૂતો અને વાહનચાલકો દ્વારા તંત્ર સમક્ષ વહેલી તકે આ બિસમાર રસ્તાની મરામત કરવામાં આવે અથવા નવો રસ્તો બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે, જેથી અવરજવર સરળ બની શકે.

