ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કોઠા ગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે પૂર્વ બાતમીના આધારે રાજસ્થાનથી અમદાવાદ તરફ દારૂ ભરીને જતી ક્રેટા કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસથી બચવાના ચક્કરમાં બુટલેગરે કાર પરથી કાબૂ ગુમાવતા તે રોડ નીચે ઉતરીને ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. આ અકસ્માત બાદ SMCએ ₹5.12 લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે રાજસ્થાનના બે બુટલેગરને દબોચી લીધા હતા. આ મામલે કલોલ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાતમીના આધારે પોલીસે ગોઠવી હતી વોચ રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિને ડામવા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કલોલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, દારૂ ભરેલી એક સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા કાર (નંબર GJ-24-AF-5436) કડી કેનાલ રોડ પરથી શંકાસ્પદ રીતે પસાર થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને કારને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ તેના ચાલકે કાર ઊભી રાખવાને બદલે પૂરઝડપે ભગાવી મૂકી હતી.
કાર અકસ્માતગ્રસ્ત થતાં બુટલેગરો પકડાયા બુટલેગરોએ કાર ભગાવતા પોલીસે અન્ય વાહનોમાં તેમનો પીછો શરૂ કર્યો હતો. પીછા દરમિયાન કોઠા ગામની સીમમાં નારોલા રોડ પર કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે કાર રોડની નીચે ઉતરીને એક ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માતને પગલે કાર બંધ થઈ જતાં પોલીસ ટીમે તુરંત પહોંચીને તેમાં સવાર તગારામ કરનાજી વજીર અને પ્રવીણ બાબુલાલ વજીર (બંને રહે. રાજસ્થાન) ને ઝડપી લીધા હતા. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની સીલબંધ બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ₹5.12 લાખ થાય છે.

