Gujarat

26 તારીખે મતદાનના દિવસે 41 ડિગ્રીની આગાહીથી સુરતીઓમાં ફફડાટ

સુરત અત્યારે જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી તાપમાનમાં સતત થઈ રહેલા વધારાને કારણે સુરતીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે સુરતનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા બપોરના સમયે શહેરના માર્ગો પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. ગરમીની આ લહેર વચ્ચે સૌથી ચિંતાજનક સમાચાર એ છે કે, 26મી એપ્રિલે મતદાનના દિવસે ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

હીટવેવ જેવી સ્થિતિને કારણે રસ્તાઓ પર ટ્રાફિક નહિવત સુરતમાં સવારના 10 વાગ્યાથી જ ગરમીનો પ્રભાવ શરૂ થઈ જાય છે. બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન લૂ ફૂંકાવાને કારણે લોકો ઘરમાં કે ઓફિસમાં પુરાઈ રહેવાનું પસંદ કરી રહ્યા છે.

હીટવેવ જેવી સ્થિતિને કારણે રસ્તાઓ પર ટ્રાફિક નહિવત જોવા મળે છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો અને પગપાળા મુસાફરી કરતા લોકો માટે હાલની ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે. ગરમીથી બચવા લોકો મોઢે રૂમાલ બાંધીને અથવા છત્રીનો સહારો લઈને નીકળતા નજરે પડે છે.

41 ડિગ્રી તાપમાનના કારણે મતદારોની સંખ્યામાં ઘટાડો થઈ શકે સુરત સહિત સમગ્ર રાજ્યમાં આગામી 26 એપ્રિલના રોજ લોકશાહીનો પર્વ એટલે કે મતદાન યોજાવાનું છે. આ દિવસે વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવામાન વિભાગની 41 ડિગ્રીની આગાહીએ તંત્રની ઉંઘ હરામ કરી દીધી છે.

જો તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચશે તો બપોરના સમયે મતદાન મથકો પર મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો થઈ શકે છે. વૃદ્ધો અને બાળકો માટે આ ગરમી અસહ્ય બની શકે તેમ છે. આથી, રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ સામે મતદારોને ગરમીમાંથી રાહત આપવા સુવિધા કરવી પણ આવશ્યક રહેશે.