રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગોંડલમાંથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. અર્ટીગા કારના ચોરખાનામાં છુપાવેલો રૂ. 61,440 નો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કુલ રૂ. 3.69 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
LCB સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગોંડલ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના આટકોટ રોડ પર ધારેશ્વર ચોકડી પાસેથી પસાર થતી મારૂતિ સુઝુકી અર્ટીગા કાર (નંબર GJ-15-CD-3854) ને રોકવામાં આવી હતી. તપાસ કરતા કારમાં ખાસ ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે નીતેશભાઈ કેશુભાઈ ઘોડી (ઉ.વ.43, રહે. કચીગામ, દમણ), એક મહિલા (ઉ.વ. 38, રહે. માંગેલવાડ, દમણ) અને એક સગીરને ઝડપી પાડ્યા છે. નીતેશભાઈ ઘોડી સામે અગાઉ વલસાડ, જૂનાગઢ અને દમણ પંથકમાં પ્રોહીબીશનના ગુનાઓ નોંધાયેલા છે. દારૂનો જથ્થો મંગાવનાર જેતપુરના કપીલ ઉર્ફે ટીનો દયારામભાઈ નીમાવતને પકડવા માટે તજવીજ ચાલુ છે.

