Gujarat

દીકરીના MBBSમાં પ્રવેશના બહાને આચાર્ય સાથે ₹22 લાખની ઠગાઈ

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા અને સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા 46 વર્ષીય આધેડ સાથે સાયબર ગઠિયાઓએ તેમની દીકરીને સરકારી મેડિકલ કોલેજમાં MBBSમાં પ્રવેશ અપાવવાની લાલચ આપી ₹22.75 લાખ પડાવી લીધા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. દીકરીએ ધોરણ 12 સાયન્સ અને NEETની પરીક્ષા પાસ કર્યા બાદ સોશિયલ મીડિયા પર એડમિશન અંગેની જાહેરાત જોઈ હતી, જેની પિતાને જાણ કરી હતી.

₹30 લાખનો ખર્ચ બતાવી અલગ અલગ ફીના નામે રકમ પડાવી આ જાહેરાતના આધારે આચાર્યએ સંપર્ક કરતાં ગઠિયાઓએ નકલી કન્સલ્ટન્સીના માલિક અને કર્મચારી બનીને આચાર્યનો વિશ્વાસ જીત્યો હતો. ગઠિયાઓએ સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવવા માટે કુલ ₹30 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ એડમિશન પ્રક્રિયા અને વિવિધ ફીના બહાના હેઠળ લગભગ બે મહિના દરમિયાન ટુકડે-ટુકડે કુલ ₹22.75 લાખ પડાવી લીધા હતા.

બી.જે. મેડિકલ કોલેજમાં એલોટમેન્ટ લેટર બોગસ નીકળ્યો નાણાં મેળવ્યા બાદ ગઠિયાઓએ આચાર્યને એક એલોટમેન્ટ લેટર આપ્યો હતો. આચાર્યએ જ્યારે અમદાવાદ સ્થિત બી.જે. મેડિકલ કોલેજમાં જઈને આ લેટરની ખરાઈ કરી ત્યારે તે નકલી હોવાનું બહાર આવ્યું હતું. પોતાની સાથે ભારે ઠગાઈ થઈ હોવાનું માલૂમ પડતાં આચાર્યએ તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.