Gujarat

વોટ્સએપ પર મળશે સરકારી સેવા, સરકાર અને મેટા વચ્ચે MoU

ગુજરાતમાં હવે સરકારી સેવાઓ મેળવવા માટે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર ધીમે ધીમે ઘટવાની છે. રાજ્ય સરકારે ડિજિટલ ગવર્નન્સને વધુ સરળ અને નાગરિક કેન્દ્રિત બનાવવાના મહત્વાકાંક્ષી પ્રયાસ રૂપે Meta Platforms Inc. સાથે મહત્વપૂર્ણ MoU કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આ કરાર થયો હતો, જેના દ્વારા આગામી સમયમાં વોટ્સએપ આધારિત ચેટબોટ મારફતે નાગરિકોને સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સરકાર અને મેટા વચ્ચે MoU આ MoU પર રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગના તાલીમ અને વહિવટી સુધારણા પ્રભાગના સચિવ હારિત શુક્લા તથા Metaના ડિરેક્ટર અને હેડ ઓફ પોલિસીઝ અમન જૈન અને કન્ટ્રી ડિરેક્ટર એ. શ્રીનિવાસે હસ્તાક્ષર કર્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, ડૉ. હસમુખ અઢિયા, અંજુ શર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વોટ્સએપથી આ સેવાઓ ઘરે બેઠા પરથી મેળવી શકશો રાજ્ય સરકારના જણાવ્યા મુજબ હવે નાગરિકો એક જ વોટ્સએપ નંબર પરથી આવકના દાખલા, જાતિ પ્રમાણપત્ર, EWS સર્ટિફિકેટ, રેશનકાર્ડ અપડેટ, મહેસૂલ રેકોર્ડ્સ, સત્તાવાર સોગંદનામા તેમજ ફરિયાદ નિવારણ જેવી અંદાજે 20 જેટલી મહત્વપૂર્ણ સેવાઓ ઘરે બેઠા મેળવી શકશે. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ થનારી આ સેવા ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના લોકો માટે વધુ ઉપયોગી બનશે.

અરજીથી લઈને પ્રમાણપત્ર મેળવવાની પ્રોસેસ થોડા ક્લિક્સમાં થઈ શકશે સરકારનું માનવું છે કે, ‘લાઈનથી ઓનલાઈન’ અને હવે ‘ઓનલાઈનથી વોટ્સએપ ગવર્નન્સ’ તરફનો આ બદલાવ સામાન્ય નાગરિક માટે મોટી રાહત સાબિત થશે. અલગ-અલગ વેબસાઇટ પર લોગિન કરવાનું કે કચેરીઓમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનું ટળશે. અરજીથી લઈને પ્રમાણપત્ર મેળવવાની સમગ્ર પ્રક્રિયા મોબાઇલ પર થોડા ક્લિક્સમાં પૂર્ણ થઈ શકશે.