Gujarat

ઓલિમ્પિક ૨૦૩૬ની દિશામાં ગુજરાત-ઓસ્ટ્રેલિયા ભાગીદારી

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભારત ખાતેના ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ફિલીપ ગ્રીન ર્ંછસ્ની સૌજન્ય મુલાકાત દરમિયાન રમતગમત, ઓલિમ્પિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સહકારને લઈને વ્યાપક ચર્ચા થઈ. આ બેઠકમાં મુખ્યમંત્રીએ ઓલિમ્પિક ગેમ્સ માટે વિકસાવવામાં આવતી સુવિધાઓનો લાંબા ગાળે સસ્ટેનેબલ ઉપયોગ કરવા ઓસ્ટ્રેલિયાના અનુભવ અને જ્ઞાનનો લાભ લેવા ગુજરાતની તત્પરતા વ્યક્ત કરી.

૨૦૩૨માં બ્રિસ્બેનમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયામાં થઈ રહેલી તૈયારીઓ અંગે વિગતવાર વિચાર-વિમર્શ થયો. રમતો બાદ ખેલગામો, આવાસ અને અન્ય સુવિધાઓનો સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ ઇવેન્ટ્સ માટે ઉપયોગ કેવી રીતે થાય તે અંગે ઓસ્ટ્રેલિયાનો મોડેલ ગુજરાત માટે માર્ગદર્શક બની શકે તેમ ચર્ચાયું.

ભૂપેન્દ્ર પટેલે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ક્ષમતા અને તાલીમ પદ્ધતિની પ્રશંસા કરી

ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ગ્રીને બ્રિસ્બેનમાં ચાલી રહેલી ઓલિમ્પિક તૈયારીઓના નિરીક્ષણ માટે ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળને ઓસ્ટ્રેલિયા આવવાનું આમંત્રણ આપ્યું. સ્વિમિંગ, પેરા એથલેટિક્સ અને હાઈ પરફોર્મન્સ સેન્ટર્સમાં ઉચ્ચ સ્તરીય તાલીમ માટે ઓસ્ટ્રેલિયા સહકાર આપવા ઇચ્છુક હોવાનું પણ તેમણે જણાવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ક્ષમતા અને તાલીમ પદ્ધતિની પ્રશંસા કરી અને ૨૦૩૬ ઓલિમ્પિકમાં ગુજરાત તથા દેશના ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે સહિયારા પ્રયાસોની અપેક્ષા વ્યક્ત કરી.

આ બેઠકમાં ગિફ્ટ સિટીમાં કાર્યરત ડિકન યુનિવર્સિટી દ્વારા સ્પોર્ટ્સ સાયન્સ, સ્પોર્ટ્સ રિસર્ચ અને સ્પોર્ટ્સ બિઝનેસ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઉભું કરીને અલગ ઇકોસિસ્ટમ વિકસાવવાની યોજના અંગે પણ ચર્ચા થઈ. માર્ચ-૨૦૨૬માં યોજાનારા ડિકન યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં હાજરી આપવા મુખ્યમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું. રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતે હાંસલ કરેલી આગવી પ્રગતિથી ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર પ્રભાવિત થયા હતા.

તેમણે રિન્યૂએબલ એનર્જી ટ્રાન્ઝિશનમાં ઓસ્ટ્રેલિયાની એક્સપર્ટિઝ ગુજરાતને ઉપલબ્ધ કરાવવા ઉત્સુકતા દર્શાવી. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં સોલાર રૂફટોપ માટે વિકસાવવામાં આવતી ટ્રેનિંગ સુવિધાઓ અને તેમાં મહિલાઓની વધતી ભાગીદારીની પણ પ્રશંસા કરવામાં આવી. આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, સચિવ અજય કુમાર, ઇન્ડેક્ષ્ટ-સીના એમડી કેયુર સંપટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.