ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા તા. ૫ થી ૭ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન અકોટા અતિથિગૃહ, અકોટા સ્ટેડિયમ પાસે, વડોદરા ખાતે રાજ્ય કક્ષાના ફિલાટેલિક પ્રદર્શન “ગુજપેક્સ-૨૦૨૬”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે, આજે શ્રી ગણેશ વી. સાવળેશ્વરકર, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજપેક્સ-૨૦૨૬ના લોગો અને મેસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ, અમદાવાદ રીજીયન તથા ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ (મુખ્યાલય), અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વડોદરા અને રાજકોટ રીજીયન ના પોસ્ટમાસ્ટર જનરલ, ટપાલ વિભાગના અધિકારીઓ તથા ગુજરાતના જાણીતા ફિલાટેલિસ્ટો વીડિયો કોન્ફરન્સ દ્વારા જાેડાયા હતા.
ટપાલ ટિકિટના આકારમાં ડિઝાઇન કરાયેલા આ લોગોમાં સિંહ, મોર, વડનું વૃક્ષ, ગુજરાતના નકશા સાથેનો ગ્લોબ તથા નર્મદા નદી દર્શાવવામાં આવ્યા છે, જે ગુજરાતની ઓળખ અને વડોદરાના વારસાને પ્રતિબિંબિત કરે છે.
મેસ્કોટ “મયૂર – ધ પોસ્ટલ પીકોક” આપણા રાષ્ટ્રીય પક્ષી પર આધારિત છે અને બાળકો તથા યુવાનોને ટપાલ ટિકિટ સંગ્રહ તરફ આકર્ષિત કરવાના હેતુથી તેની ડિઝાઇન કરવામાં આવી છે.
પ્રદર્શનમાં ટપાલ ટિકિટો, થીમેટિક સંગ્રહો તથા અન્ય ફિલાટેલિક સામગ્રીના સ્પર્ધાત્મક તેમજ બિન-સ્પર્ધાત્મક પ્રદર્શનો રજૂ કરવામાં આવશે. ફિલાટેલિસ્ટો અને સંગ્રાહકો પાસેથી ટૂંક સમયમાં એન્ટ્રીઓ આમંત્રિત કરવામાં આવશે. ઓનલાઇન અરજી કરવા માટે ગુજપેક્સ-૨૦૨૬ની એક અલગ વેબસાઇટ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
આ પ્રદર્શનનો ઉદ્દેશ ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોમાં ફિલાટેલી (ટપાલ ટિકિટ સંગ્રહ)ના શોખને લોકપ્રિય બનાવવાનો તથા ટપાલ ટિકિટો દ્વારા આપણા ઇતિહાસ અને સંસ્કૃતિ અંગે જાગૃતિ લાવવાનો છે. ગુજરાત પોસ્ટલ સર્કલ તમામ ફિલાટેલિસ્ટો, વિદ્યાર્થીઓ, સંગ્રાહકો તથા સામાન્ય જનતાને ગુજપેક્સ-૨૦૨૬માં મોટી સંખ્યામાં ભાગ લઈ આ આયોજનને સફળ બનાવવા અનુરોધ કરે છે.

