Gujarat

પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌએ સહભાગી બનવું જરૂરી: આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનસુરીયા

ભારત સરકારના કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘વિકસિત ભારતજ્ર૨૦૪૭’ મલ્ટીમીડિયા પ્રદર્શન અંતર્ગત ‘સ્વચ્છતા એ જ સેવા’ તથા ‘નશા મુક્ત ભારત’ અભિયાનને વેગ આપવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસુરીયા તેમજ ભરૂચના કલેક્ટર શ્રી યોગેશ કાપશેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બંને મહાનુભાવોએ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તેમજ સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. સાથે જ પર્યાવરણની જાળવણી અને ભાવિ પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસુરીયાએ કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા આયોજિત ‘વિકસિત ભારતજ્ર૨૦૪૭’ મલ્ટીમીડિયા પ્રદર્શનની મુલાકાત લઈ વિવિધ પ્રસ્તુતિઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સમાજના દરેક વર્ગની સક્રિય ભાગીદારી જરૂરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનભાગીદારી અને સામૂહિક પ્રયાસોથી વિકસિત ભારતનું સ્વપ્ન ચોક્કસપણે સાકાર થશે.

‘સ્વચ્છતા એ જ સેવા’ કાર્યક્રમના ભાગરૂપે હોસ્ટેલ ગ્રાઉન્ડ પરિસરમાં સામૂહિક સફાઈ અભિયાન યોજાયું હતું. આ ઉપરાંત એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. મલ્ટીમીડિયા પ્રદર્શન સ્થળે ‘નશા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત સામૂહિક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, નશામુક્તિ તથા વિકસિત ભારતના નિર્માણ અંગે ઉપસ્થિત નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.