અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સેટેલાઈટ, જોધપુર, શ્યામલ, વેજલપુર, સરખેજ, જુહાપુરા, બોપલ, એસજી હાઇવે, પ્રહલાદનગર, આનંદનગર વિસ્તારોમાં રહેતા નાગરિકોએ સુકો અને ભીનો કચરો અલગ રાખવાનો રહેશે. ડોર ટુ ડોરની ગાડી કચરો લેવા આવે ત્યારે શહેરજનોએ ફરજિયાત રીતે સુકો અને ભીનો કચરો અલગ આપવાનો રહેશે.
જો કોઈ નાગરિકો આ નિયમોનું પાલન નહીં કરે તો આજથી 10 દિવસ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરો ઉપાડવામાં આવશે નહીં. મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં સુકો અને ભીનો કચરો અલગ આપે તેના માટે આ કડક નિયમ લાગુ કરવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારના નાગરિકો અને વેપારીઓ તમામ લોકોએ આ નિયમનું પાલન કરવું ફરજિયાત છે.
રહેણાંક-વેપારી એકમોએ ભીના-સૂકા કચરાનું અલગ વિભાજન કરવું ફરજિયાત મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા તમામ રહેણાંક વિસ્તાર અને વેપારી વિસ્તારોને જાણ કરવામાં આવે છે કે, ભારત સરકારના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 તથા 2026 અનુસાર દરેક નાગરિક તથા સંસ્થાએ પોતાના કચરાનું વિભાજન કરવું ફરજિયાત છે. જે મુજબ દરેક રહેણાંક તથા વેપારી એકમોએ પોતાના કચરાનું ભીના કચરામાં અને સૂકા કચરામાં અલગ અલગ વિભાજન કરવું ફરજિયાત છે.

