જામનગરમાં ટ્રાફિક પોલીસે એક યુવકને ખોટી નંબર પ્લેટ સાથે એક્ટિવા ચલાવવા બદલ ઝડપી પાડ્યો છે. યુવકે પોતાના એક્ટિવા સ્કૂટર પર બુલેટ મોટરસાઈકલનો નંબર લગાવી કાયદાનો ભંગ કર્યો હતો. આ છેતરપિંડીનો પર્દાફાશ ITMS સિસ્ટમ દ્વારા થયો હતો.
રોયલ એનફિલ્ડનો નંબર ખૂલ્યો ટ્રાફિક શાખાના પોલીસ હેડ કોન્સ્ટેબલ સત્યજીતસિંહ નોંઘુભા વાળાને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (Netra) તરફથી આ અંગે માહિતી મળી હતી. અંબર ચોકડીથી જી.જી. હોસ્પિટલ તરફ જઈ રહેલા એક હોન્ડા એક્ટિવા સ્કૂટર પર GJ-10-EK-1111 નંબર પ્લેટ જોવા મળી હતી. ITMS સિસ્ટમમાં આ નંબરની ઓનલાઈન તપાસ કરતા જાણવા મળ્યું કે આ નંબર એક્ટિવાનો નહીં, પરંતુ ઋષભભાઈ સંજયભાઈ પીઠડના નામે રજિસ્ટર્ડ રોયલ એનફિલ્ડ હન્ટર-350 મોટરસાઈકલનો હતો.

ટ્રાફિક પોલીસની વોચ ખોટી નંબર પ્લેટ હોવાની ખાતરી થતાં જ ટ્રાફિક પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી હતી. અંબર ચોકડી રોડ પર આવેલા નીયો સ્ક્વેર એવન્યુ નજીકથી આ શંકાસ્પદ એક્ટિવા પાર્ક કરેલી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે પંચોની હાજરીમાં વાહનની તપાસ શરૂ કરી.
એક્ટિવાનો અસલી નંબર મળ્યો પોલીસે એક્ટિવા ચલાવનાર યુવક પૃથ્વી રમેશભાઈ નડીયાધાર (ઉંમર 26, રહે. જુનો કુંભારવાડો, ન્યુ સ્કૂલ પાછળ, જામનગર)ની પૂછપરછ કરી. વાહનના ચેસિસ અને એન્જિન નંબર તપાસતા, સ્કૂટરનો અસલી રજિસ્ટ્રેશન નંબર GJ-10-EK-1508 હોવાનું બહાર આવ્યું. આશ્ચર્યજનક રીતે, એક્ટિવાની ડેકીમાંથી વાહનના અસલી દસ્તાવેજો સાથે મૂળ HSRP નંબર પ્લેટ (GJ-10-EK-1508) પણ મળી આવી હતી.

