જેતપુરના ખોડપરા વિસ્તારમાં થયેલી રૂ. 1.10 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ 28 ગુનાહિત ઇતિહાસ ધરાવતા નામચીન તસ્કર અશોક ઉર્ફે હરસુખ ગભરુભાઈ ડાભીને ઝડપી પાડ્યો છે. પોલીસે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલું પક્કડ અને રોકડ રકમ જપ્ત કરી, જેતપુર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ ગુનો ડિટેક્ટ કર્યો છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર (IPS) અને નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાય (IPS) ના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી અણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય LCB ને આ મોટી સફળતા મળી છે.
ગત તા.13 ઓગસ્ટના રોજ કલાક 23:00 વાગ્યાથી તા.14 ઓગસ્ટના કલાક 13:00 વાગ્યા દરમિયાન જેતપુરના ખોડપરા જીનપ્લોટ વિસ્તારમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અજાણ્યા તસ્કરે મકાનના મુખ્ય દરવાજાના આગળીયાનું લોક તોડી, ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો.
રૂમમાં રાખેલી તિજોરીમાંથી આશરે રૂ. 50,000 રોકડા અને કબાટમાં રાખેલી અડધા તોલા સોનાની બુટ્ટી (કિંમત રૂ. 60,000) મળી કુલ રૂ. 1,10,000 ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે જેતપુર સીટી પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 305(એ), 331(3), 331(4) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

