જિલ્લાના મોરવા હડફ તાલુકાના નાગણોદ ગામમાં છેલ્લા બે-ત્રણ દિવસથી દીપડો દેખાતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. નાગલોદ ગામના પગી ફળિયામાં રહેતા લાલાભાઈ પગીના ઘરની છત પર સમી સાંજે અચાનક એક દીપડો આવીને આરામથી બેસી ગયો હતો. વનસ્પતિ અને જંગલ વિસ્તારની આસપાસ વસતા આ દીપડાને અચાનક વસ્તી વચ્ચે ઘરની છત પર બિન્દાસ્ત બેઠેલો જાેઈને સ્થાનિક રહીશોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
ઘરની છત પર દીપડો આવ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતાની સાથે જ આસપાસના લોકો ઘટનાસ્થળે મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. ગ્રામજનો દ્વારા તરત જ આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. દીપડાની હાજરીને કારણે સમગ્ર ફળિયામાં ભારે ભય અને ફફડાટનો માહોલ છવાઈ ગયો હતો. જાેકે, રાહતની વાત એ રહી કે દીપડાએ આ દરમિયાન કોઈ પણ મનુષ્ય કે પશુને નુકસાન પહોંચાડ્યું નહોતું.
સાંજ ઢળતી ગઈ તેમ અંધારું થતાં જ આ દીપડાએ પોતાની મેળે જ ઘરની છત પરથી નીચે ઉતરવા માટે સીડીનો સહારો લીધો હતો. સીડી ઉતરીને આ દીપડો આરામથી જંગલ તરફ રવાના થઈ ગયો હતો. જંગલ તરફ જતી વખતે આ દીપડો ગામના તળાવની પાળ પરથી પસાર થતો પણ સ્થાનિકો દ્વારા નજરે પડ્યો હતો. દીપડો કોઈપણ પ્રકારનું નુકસાન કર્યા વગર સલામત રીતે જંગલ તરફ ચાલ્યો જતાં ગ્રામજનો અને વન વિભાગે હાશકારો અનુભવ્યો હતો.

