વિદેશ જવાની ઘેલછા ધરાવતા યુવાનોને નિશાન બનાવતી વધુ એક ઠગ ટોળકીનો પર્દાફાશ થયો છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા યુવકને કેનેડાની રેસ્ટોરન્ટમાં નોકરી અને માત્ર પાંચ દિવસમાં વિઝા અપાવી દેવાની લાલચ આપી બે ગઠિયાઓએ લાખો રૂપિયા પડાવી લીધા હતા. દિલ્હી VFS સેન્ટર ખાતે દસ્તાવેજો નકલી હોવાનું સામે આવ્યા બાદ આરોપીઓએ અસલ પાસપોર્ટ પરત કરવા માટે વધુ 2 લાખની માગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
“બહેન-બનેવીની રેસ્ટોરન્ટ છે” કહી વિશ્વાસમાં લીધો ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વાઘોડિયા રોડ સ્થિત ‘ઓમ રેસિડેન્સી’માં રહેતા જીગ્નેશભાઈ નરેશભાઈ ભાટીયાને તેમના મિત્ર મારફતે આકાશ જાની અને પાર્થ મુલાણી નામના બે શખ્સો સાથે ઓળખાણ થઈ હતી. બંને શખ્સોએ દાવો કર્યો હતો કે કેનેડામાં તેમના બહેન-બનેવીની રેસ્ટોરન્ટ ચાલે છે અને ત્યાં સારી નોકરી અપાવી દેશે.
સમગ્ર પ્રક્રિયાનો ખર્ચ અંદાજે 2 લાખ થશે અને 5 દિવસમાં વિઝા આવી જશે તેમ કહી શરૂઆતમાં 36 હજાર બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ ખાતે મેડિકલ ટેસ્ટ પેટે ₹15,000 તેમજ ઇન્સ્યોરન્સ, એર ટિકિટ અને VFS ગ્લોબલ એપોઇન્ટમેન્ટના નામે હજારો રૂપિયા પડાવી લીધા હતા.
દિલ્હી VFS સેન્ટરમાં ભાંડો ફૂટ્યો દસ્તાવેજ સબમિશન માટે આરોપીઓ ફરિયાદીને દિલ્હી લઈ ગયા હતા, જ્યાં હોટલ રોકાણ અને VFS સેન્ટર ખાતે વધુ ₹20,000 (ઓનલાઇન તથા રોકડ) લીધા હતા. જોકે, દિલ્હી સ્થિત VFS સેન્ટરના અધિકારીઓએ ચકાસણી કરતાં જીગ્નેશભાઈના તમામ દસ્તાવેજો અધૂરા અને નકલી હોવાનું સ્પષ્ટ કહીને અરજી ફગાવી દીધી હતી.

