મેયર શ્રી હિતેશભાઈ બારોટના હસ્તે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે પ્રદર્શન ખુલ્લું મુકાયું
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની જનસેવા અને ગુજરાતની વિકાસયાત્રાની મલ્ટિમીડિયા ઝાંખી
તા. ૩ થી ૫ ઓક્ટોબર દરમિયાન સવારે ૮થી રાત્રે ૧૦ વાગ્યા સુધી નાગરિકો આ પ્રદર્શનની મુલાકાત લઈ શકશે
રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ વિષયક વિશેષ મલ્ટિમીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટના હસ્તે આજે આ પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતથી શરૂ થયેલી ૨૫ વર્ષની જનસેવા, નેતૃત્વ અને વિકાસયાત્રાને વિવિધ પેનલ, પોસ્ટર્સ, દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિઓ અને મલ્ટિમીડિયા માધ્યમથી પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે. ગુજરાતના કૃષિ-પશુપાલન, શિક્ષણ, ઉદ્યોગ, બંદરો, ઊર્જા, જળશક્તિ, મહિલા સશક્તીકરણ અને સામાજિક વિકાસ સહિતના ક્ષેત્રોમાં થયેલી કામગીરીની ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવી છે.
પ્રદર્શનમાં કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, જ્યોતિગ્રામ યોજના, ઈ-મમતા, મિશન મંગલમ, જ્ઞાનશક્તિ, પાણીદાર આયોજન, ખેલ મહાકુંભ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, પશુ આરોગ્ય મેળા, સમરસ છાત્રાલય યોજના સહિતની વિવિધ વિકાસલક્ષી પહેલોની માહિતી રજૂ કરવામાં આવી છે. ૨૫ વર્ષની વિકાસયાત્રા સાથે સંકળાયેલી કામગીરી અંગે મુલાકાતીઓ માટે ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
નાગરિકો આ પ્રદર્શનની મુલાકાત તા. ૩ થી ૫ ઓક્ટોબર દરમિયાન સવારે ૮ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી લઈ શકશે.
મેયર હિતેશભાઈ બારોટ સહિતના મહાનુભાવોએ પ્રદર્શનના વિવિધ વિભાગોની મુલાકાત લઈ રજૂ કરવામાં આવેલી વિકાસલક્ષી કામગીરીની માહિતી મેળવી હતી.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, ધારાસભ્યશ્રીઓ સર્વે અમિતભાઈ ઠાકર, જીતુભાઈ પટેલ, દિનેશસિંહ કુશવાહ, હર્ષદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર, દંડક અતુલ મિશ્રા સહિત કોર્પોરેટરો, અગ્રણીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

