Gujarat

ઉદ્યોગોને સોલાર પ્રોજેક્ટમાં કરોડોનું રોકાણ છતાં મોંઘી વીજળી ખરીદવાનો વારો આવ્યો

રાજ્યમાં જમીની સ્તરે રિન્યુએબલ એનર્જી સ્થાપનારા ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. સુરત અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઈલ, કેમિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રના ઉદ્યોગકારોએ પોતાના કારખાનાનું વીજ બિલ શૂન્ય કરવા માટે પ્રતિ 1 મેગાવોટ દીઠ અંદાજે 4.25 કરોડ ના જંગી ખર્ચે અંદાજે 1000 મેગાવોટ ની ક્ષમતા ધરાવતા કેપ્ટિવ સોલાર પ્લાન્ટ્સ સ્થાપ્યા છે. સમગ્ર પ્રદેશમાં ઉદ્યોગોએ બેંક લોન અને પોતાના જોખમે આશરે 4250 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે.

​જોકે, કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલય અને ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી ગ્રીડ કોડ (આઇઇજીસી) હેઠળ સોલાર એનર્જીને ‘મસ્ટ રન’ (મસ્ટ રન સ્ટેટસ) નો કાયદાકીય દરજ્જો મળ્યો હોવા છતાં, છેલ્લા 1 વર્ષથી બપોરે પીક-અવર્સમાં જ ડિજીવીસીએલ (દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટે) એસએલડિસી (સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર) દ્વારા જનરેશન બંધ (કર્ટેલમેન્ટ) કરવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. પરિણામે કરોડો રૂપિયાનું રોકાણ કરનારા એમએસએમઈ એકમો મોંઘી કોલસા આધારિત ગ્રીડ વીજળી વાપરવા મજબૂર બન્યા છે અને પ્રોજેક્ટ માટે લીધેલી બેંક લોનના હપ્તા ભરવામાં ડિફોલ્ટ થવાની સ્થિતિ સર્જાઈ છે.

  • રોકાણ જોખમમાં : દ.ગુજરાતમાં અંદાજે 1000 મેગાવોટ પ્લાન્ટ્સ છે. 4.25 કરોડ પ્રતિ મેગાવોટના હિસાબે ઉદ્યોગકારોની જંગી મૂડી રોકાયેલી છે.
  • પીક-અવર્સમાં જ કાપ કેમ? : બપોરે 11 થી ત્રણ માં પેનલો મહત્તમ વીજળી પેદા કરે છે. વીજ કંપની આ ગાળામાં પ્લાન્ટ બંધ કરાવાનો મેસેજ આપે છે. વીજ કંપનીના નેટવર્કની ક્ષમતા ઓછી હોવાથી પીક અવર્સમાં સોલર વીજળી લેવાનું બંધ કરાય છે.
  • એસએલડીસી-ડીજીવીસીએલ વચ્ચે સંકલન શૂન્ય: બંને સરકારી એજન્સી વચ્ચે તાલમેલ ન હોવાના કારણે ઉદ્યોગોને બિલમાં સેટ-ઓફ મળતું નથી