Gujarat

અસારવા-ઉદયપુર રેલ માર્ગ પર નવી ટ્રેનો અને કનેક્ટિવિટી વધારવા રજૂઆત

ગુજરાત અને રાજસ્થાનને જાેડતા વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના એવા અસારવા- હિંમતનગર- ઉદયપુર રેલ માર્ગ પર લાંબા અંતરની ટ્રેનોના અભાવે મુસાફરોને પડતી હાલાકીનો મુદ્દો હવે વેગ પકડ્યો છે. દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ દ્વારા અમદાવાદ પૂર્વના સાંસદ તેમજ રેલવે મંત્રાલય અને ઉચ્ચ સત્તાધીશોને પત્ર લખીને આ વિસ્તારના વિદ્યાર્થીઓ, સૈનિકો અને વેપારીઓના હિતમાં આઠ મુખ્ય માંગણીઓ સાથે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે.

ધારાસભ્યએ તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત સાથે સીધું જાેડાણ મળે તે માટે મુંબઈ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ (૨૨૯૫૩/૫૪) અને વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન (૧૯૦૩૩/૩૪) ને અમદાવાદના બદલે ખેડબ્રહ્મા સુધી લંબાવવી જાેઈએ. આ ઉપરાંત, વલસાડ અને ખેડબ્રહ્મા વચ્ચે નવી દૈનિક સીટિંગ ટ્રેન શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે.

લાંબા અંતરની ટ્રેનોના રૂટમાં ફેરફાર અને નવી ટ્રેનોની દરખાસ્ત કરાઇ છે. જેમાં બાંદ્રા-ઉદયપુર એક્સપ્રેસ: હાલમાં રતલામ થઈને ચાલતી ઉદયપુર-બાંદ્રા એક્સપ્રેસને ડુંગરપુર-હિંમતનગર માર્ગે ડાયવર્ટ કરી દૈનિક ધોરણે ચલાવવા રજૂઆત કરાઈ છે. ઉદયપુર-મૈસુર હમસફર ટ્રેનને સપ્તાહમાં બે વાર ચલાવી આ રૂટ પર લાવવા માંગ છે.

ઉપરાંત ઉદયપુરથી સીધી પુણે, હૈદરાબાદ, બેંગલોર, સોમનાથ અને ભુજ માટે નવી ટ્રેનો શરૂ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.લોકલ મુસાફરો માટે અસારવા અને ખેડબ્રહ્મા વચ્ચે નવી દૈનિક મેમુ ટ્રેન શરૂ કરવા તેમજ તમામ ટ્રેનોને અસારવાના બદલે અમદાવાદ (કાલુપુર) સ્ટેશન સુધી લંબાવવાની માંગણી કરવામાં આવી છે. આ સાથે જ અસારવા જંક્શનથી કાલુપુર મેટ્રો સ્ટેશન સુધી સીટી બસની કનેક્ટિવિટી આપવા સૂચન કરાયું છે જેથી મુસાફરો બુલેટ ટ્રેન અને મેટ્રો સુવિધાનો લાભ લઈ શકે.

નાંદોલ દહેગામ સ્ટેશનનું મહત્વ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. નાંદોલ દહેગામ સ્ટેશન રક્ષા શક્તિ યુનિવર્સિટી, આર્મી એરિયા અને ઝા ક ઇન્ડસ્ટ્રીયલ એરિયા ૨૦૦૦ થી વધુ ઔદ્યોગિક એકમો સાથે જાેડાયેલું હોવાથી નાંદોલ દહેગામ સ્ટેશન પર તમામ ટ્રેનોને ફરજિયાત સ્ટોપેજ આપવું.અસારવા-નાંદોલ દહેગામ વચ્ચે સવારે ૮-૩૦અને સાંજે ૬-૩૦ વાગ્યે સ્પેશિયલ મેમુ ટ્રેન દોડાવવી.સ્ટેશન પર કોચ ઇન્ડિકેટર બોર્ડ અને અત્યાધુનિક વેઇટિંગ રૂમની સુવિધા ઉભી કરવી. આ વિસ્તારના વિકાસ માટે રેલવે કનેક્ટિવિટી કરોડરજ્જુ સમાન છે. જાે આ માંગણીઓ સંતોષવામાં આવશે તો સામાજિક અને ઔદ્યોગિક ક્રાંતિ વેગ પકડનારની શક્યતા છે.