Gujarat

દર વર્ષે 7 ટકા મોંઘવારી પ્રમાણે ફી સ્લેબમાં વધારો આપવા માંગ, રિપોર્ટ શિક્ષણ વિભાગે અટકાવ્યાનો આક્ષેપ

અમદાવાદ ઝોનની FRC કમિટીએ ખાનગી શાળાઓની ફી જાહેર કરી છે. અમદાવાદ ઝોનમાં આવતા જિલ્લાની અંદાજે 5 હજાર કરતા વધુ શાળાઓની ફી જાહેર કરવામાં આવી છે. ખાનગી શાળાઓએ ફી વધારા માટે અરજી કરી હતી. જેમાંથી કેટલી શાળાઓને ફી વધારો અપાયો છે, તો કેટલીક શાળાઓને ફી વધારો આપવામાં આવ્યો નથી.

જેને લઈને હવે રાજ્ય શાળા સંચાલક મહામંડળ મેદાને આવ્યું છે. ખાનગી શાળાઓને યોગ્ય ફી વધારો ન મળતા મુખ્યમંત્રી પાસે માંગ કરવામાં આવી રહી છે. દર વર્ષે 7 મોંઘવારી વધી રહી છે તો ફી સ્લેબમાં પણ વધારો કરવા માટે માંગ કરવામાં આવી છે. તેમજ ફી સ્લેબના વધારા માટેનો રિપોર્ટ શિક્ષણ વિભાગે અટકાવી રાખ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

સ્કૂલોને યોગ્ય ફી વધારો ન મળતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ નારાજ ખાનગી શાળાઓએ ફીમાં વધારો કરવા માટે FRC કમિટી સમક્ષ દરખાસ્ત કરવી પડતી હોય છે. જે દરખાસ્તના આધારે ડોક્યુમેન્ટ તપાસ્યા બાદ FRC દ્વારા ફી નક્કી કરવામાં આવતી હોય છે. જો FRC ને યોગ્ય ન લાગે તો તેવી શાળાઓને ફી વધારો આપવામાં આવતો નથી.

તેમજ ઘણી વખત તો કેટલીક શાળાઓની ફી પણ ઘટાડી દેવામાં આવતી હોય છે. જો કે હવે FRC એ જે પણ ફી વધારો આપ્યો છે કે જે પણ ફી ઘટાડો કર્યો છે તે તમામ વિગતો વેબસાઈટ પર જાહેર કરી છે.

જેથી સ્કૂલોને યોગ્ય ફી વધારો ન મળતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ નારાજ થયું છે. 2017 બાદથી ફી સ્લેબમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં ન આવતા મોંઘવારીના આધારે ફી સ્લેબમાં વધારો કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે.