જામનગર, જે ક્રિકેટના કાશી તરીકે ઓળખાય છે, તેણે અનેક ક્રિકેટરો આપ્યા છે. હવે યુવતીઓ પણ ક્રિકેટ ક્ષેત્રે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નામ રોશન કરી રહી છે. આ કડીમાં જામનગરની જીયા નિલેશભાઈ ઉધાસે તાજેતરમાં મધ્યપ્રદેશના શિવપુરી ખાતે યોજાયેલી 69મી નેશનલ સ્કૂલ ગેમ્સ ક્રિકેટ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
આ સ્પર્ધામાં 17 વર્ષીય જીયાએ ગર્લ્સ અંડર-19 ક્રિકેટ કેટેગરીમાં પોતાનું કૌવત દેખાડી જામનગર શહેર અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેના પ્રદર્શને આગામી સમયમાં ગુજરાત તેમજ દેશનું નામ રોશન કરવાની ક્ષમતા દર્શાવી છે.
જીયા ઉધાસ લેફ્ટઆર્મ બોલિંગ અને રાઈટઆર્મ બેટિંગ કરે છે. ક્રિકેટ ઉપરાંત, તે કરાટેમાં પણ પારંગત છે અને 2022માં બ્લેક બેલ્ટ મેળવી ચૂકી છે. થોડા સમય પહેલા જામનગર અને દેવભૂમિ દ્વારકામાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં પણ તેણે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો.

