Gujarat

ધ્રોલમાં જ્વેલર્સની દુકાનમાંથી રૂ. 17.58 લાખના દાગીના ચોરાયા

ધ્રોલ શહેરમાં એક જ્વેલર્સની દુકાનમાં મોટી ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા ચોરોએ તુલજા ભવાની જ્વેલર્સમાંથી આશરે રૂ. 17.58 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી છે. આ અંગે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

આ ઘટના ધ્રોલ નગરપાલિકા સામે ચંદ્રસિંહજી સ્કૂલ પાસે આવેલ તુલજા ભવાની જ્વેલર્સમાં બની હતી. દુકાનના માલિક પ્રકાશભાઈ હેમતલાલ ભીંડી (રહે. હડીયાણા ગામ, તા. જોડીયા) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મકરસંક્રાંતિના તહેવારને કારણે તા. 14 જાન્યુઆરી, 2026 ના રોજ દુકાન બંધ હતી. તે જ રાત્રે આશરે પોણા અગિયાર વાગ્યાની આસપાસ, દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા બંધ દેખાતા માલિકના પુત્ર ચિરાગભાઈને શંકા ગઈ હતી. તેમણે મોબાઈલ મારફતે ચેક કરતા શંકાસ્પદ હલચલ નજરે પડી હતી.

સીસીટીવી રેકોર્ડિંગમાં અજાણ્યા ઇસમો દુકાનની પાછળની દીવાલમાં બખોલ પાડી અંદર પ્રવેશ કરતા અને એક ઇસમ કેમેરા પર કપડું ઢાંકી દેતો દેખાયો હતો. આ બનાવની જાણ તાત્કાલિક જામનગર પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. માલિક અને તેમના પુત્ર દુકાને પહોંચી તપાસ કરતા દુકાનની પાછળની દિવાલમાં બખોલ, કેમેરા ઢાંકેલ હાલતમાં તેમજ દુકાનમાં સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો.