પાટણ.. ચાણસ્મા
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
ગ્રામીણ, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને નિવાસની સુવિધા આપતા 351 શિક્ષણ ભવન અભિયાનનું 254મું ભવન ઝીલીયામાં સાકાર….
ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં શિક્ષણનો દીપ પ્રગટાવતી પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા સ્થિત શ્રી ગાંધી આશ્રમ તથા શ્રી આદર્શ કુમાર છાત્રાલય સંસ્થા દ્વારા વર્ષોથી શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. વર્ષ 1964થી શરૂ થયેલી આ સંસ્થા આજે પ્રાથમિક શિક્ષણથી લઈને કોલેજ સ્તર સુધી વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી સશક્ત શૈક્ષણિક વ્યવસ્થા તરીકે વિકસેલી છે. સંસ્થા સંચાલિત 11 હાઈસ્કૂલો હાલ કાર્યરત છે અને ખાસ કરીને મજૂર, ખેતમજૂર, માલધારી, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગોની દીકરીઓ માટે ઉચ્ચ અભ્યાસના દ્વાર ખુલ્લા કર્યા છે.
આ શિક્ષણસેવાની પરંપરાને વધુ મજબૂતી આપતા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા ઝીલીયા ગામે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’ નામના નવનિર્મિત ભવ્ય ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આશરે રૂ. 80 લાખના ખર્ચે નિર્મિત આ ભવન વિદ્યાર્થીઓને સુવિધાસભર નિવાસ, અભ્યાસ અને સંસ્કારપૂર્ણ વાતાવરણ પૂરૂં પાડવા માટે રચાયું છે.
આ લોકાર્પણ સમારોહમાં ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા અધ્યક્ષસ્થાને રહ્યા હતા. સાથે રવજીભાઈ લાલજીભાઈ કાકડિયા, ભીમજીભાઈ અરજણભાઈ કાકડિયા, રમણીકભાઈ વિઠ્ઠલભાઈ કાકડિયા, ધનજી મનજીભાઈ લાઠીયા અને રાજુ કાનજીભાઈ કાંકરિયા લોકાર્પણકર્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગાંધી આશ્રમ ઝીલીયાના સંચાલક પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ, સાંસદ ગેનીબેન ઠાકોર સહિત આગેવાનો, દાતાશ્રીઓ, સમાજસેવકો અને સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે સંસ્થાની સેવાયાત્રા અને ટ્રસ્ટના રાષ્ટ્રીય અભિયાન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જણાવાયું કે 351 શિક્ષણ ભવનના અભિયાન અંતર્ગત ઝીલીયાનું આ ભવન 254મું ભવન છે. આ સમગ્ર અભિયાન વિનોબા ભાવેના વિચારોથી પ્રેરિત છે. સમાજના અંતિમ માનવી સુધી શિક્ષણ, સંસ્કાર અને સશક્તિકરણ પહોંચાડવાના દ્રઢ સંકલ્પ સાથે આ અભિયાન આગળ વધી રહ્યું છે.
ઝીલીયામાં બનેલું આ ભવન માત્ર ઈમારત નથી, પરંતુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકો માટે શિક્ષણ, નિવાસ અને ઉજ્જવળ ભવિષ્યનું આશ્રયસ્થાન બની રહેશે. ખાસ કરીને દૂરદરાજના ગામડાંઓમાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને હવે વધુ સગવડભર્યું અને સુરક્ષિત વાતાવરણ મળશે. સંચાલક મંડળે જણાવ્યું કે શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત અને રાષ્ટ્રીય ચેતનાનું નિર્માણ પણ આ છાત્રાલયનો મુખ્ય હેતુ રહેશે.
આ ભવનના નિર્માણમાં સહયોગી દાતા વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયાનો મહત્વનો ફાળો રહ્યો છે. સાથે જ પદ્મશ્રી માલજીભાઈ દેસાઈના સંકલન અને સંપર્કોથી આ સમગ્ર આયોજનને ગતિ મળી. દાતાશ્રીઓ અને ટ્રસ્ટના સંકલિત પ્રયાસોથી ઝીલીયા જેવી ગ્રામ્ય ધરતી પર આ પ્રકારનું સુવિધાસભર શિક્ષણ ભવન સાકાર થવું સ્થાનિકો માટે ગૌરવની બાબત બની છે.
ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ અભિયાન માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ભારતના 18 રાજ્યોમાં કાર્યરત છે. ખાસ કરીને જંગલ વિસ્તાર, પહાડી પ્રદેશો, સરહદી વિસ્તાર, નક્સલપ્રભાવિત ક્ષેત્રો, આદિવાસી અને દુર્ગમ વિસ્તારોમાં શિક્ષણ અને સેવા આધારિત પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ટ્રસ્ટનું ધ્યેય માત્ર ઈમારતો ઊભી કરવાનું નથી, પરંતુ ગરીબ, વંચિત, પીડિત અને શિક્ષણથી વંચિત વર્ગોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનું છે.
આ અંગે ટ્રસ્ટના કેશવભાઈ ગોટીએ જણાવ્યું હતું કે, “ગરીબો, વંચિતો અને પીડિતોની સેવા જ અમારી ઉપાસના છે. ભારતીય સંસ્કૃતિનું જતન, સમાજનો સ્વાભિમાન અને રાષ્ટ્રની શક્તિ વધે તેવા હેતુથી અમે કામ કરી રહ્યા છીએ.” તેમણે જણાવ્યું કે ટ્રસ્ટનું કાર્ય આસામ, ઓડિશા, છત્તીસગઢ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાં વ્યાપક રીતે ચાલી રહ્યું છે.
ટ્રસ્ટની વિશેષતા એ છે કે, આવા પ્રોજેક્ટમાં 50 ટકા ફાળો સહયોગી દાતાઓનો હોય છે અને 50 ટકા ફાળો ટ્રસ્ટ આપે છે. સાથે જ ટ્રસ્ટ સીધી રીતે નાણાં વહેંચવાની પદ્ધતિ અપનાવતું નથી, પરંતુ પોતાના અંદાજે 50 ટકા નિઃસ્વાર્થ કાર્યકરોના સક્રિય જોડાણથી કામ પૂર્ણ કરાવે છે. જેના કારણે ખર્ચમાં બચત થાય છે અને ઓછા ખર્ચે ગુણવત્તાસભર બાંધકામ શક્ય બને છે. આ જ કારણે જ્યાં કોઈ કામનો ખર્ચ 80 લાખ થવાનો હોય, ત્યાં ટ્રસ્ટ સુવ્યવસ્થિત આયોજનથી તે કાર્ય ઓછા ખર્ચે પણ પૂર્ણ કરી શકે છે.ટ્રસ્ટ દ્વારા માત્ર શિક્ષણ ભવનો જ નહીં, પરંતુ ભોજનાલય, પ્રાર્થના ખંડ, ટોયલેટ-બાથરૂમ બ્લોક, વિદ્યાર્થીઓ માટેની સુવિધાઓ જેવા અનેક કાર્યો પણ કરવામાં આવે છે. સાથે જ કુપોષણ મુક્તિ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 40 લાખથી વધુ બાળકોને લાભ પહોંચાડવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.
સામાજિક જાગૃતિ અને રાષ્ટ્રીય ચેતનાને મજબૂત કરવા ટ્રસ્ટ દ્વારા ‘માનસ પરિવર્તન’ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. સ્વાવલંબન, સ્વાભિમાન અને સશક્ત સમાજનું નિર્માણ થાય તે માટે છેલ્લા ત્રણ વર્ષમાં 110થી વધુ સેમિનારો યોજાયા છે. આ અભિયાનને સમાજના દાતાશ્રીઓ, સહયોગીઓ, શુભેચ્છકો, પત્રકારો, સમાજના આગેવાનો, સંતો, યુવાનો અને સર્વ સમાજનો સક્રિય સહકાર મળ્યો હોવાનું જણાવાયું હતું.આ સમગ્ર સેવાયાત્રા અને શિક્ષણ અભિયાનથી પ્રેરાઈને મોરારી બાપુએ પણ કથા દ્વારા આશીર્વાદ અને સહયોગ આપ્યો હોવાનું કેશવભાઈ ગોટીએ જણાવ્યું હતું. આથી ટ્રસ્ટના કાર્યને સમાજના વિવિધ સ્તરે વધુ પ્રોત્સાહન મળ્યું છે.
ઝીલીયામાં બનેલું આ નવું છાત્રાલય ગ્રામ્ય શિક્ષણક્ષેત્રે એક માઇલસ્ટોન સમાન પ્રયોગ માનવામાં આવી રહ્યું છે. ગરીબ અને પછાત વર્ગના બાળકો માટે આ ભવન માત્ર રહેવાની જગ્યા નહીં, પરંતુ શિક્ષણ, સંસ્કાર, આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનો મજબૂત પુલ સાબિત થશે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર (પાટણ )






