ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં બે વર્ષ પૂર્વે બનેલી પત્નીની હત્યાની ચકચારી ઘટનામાં આજે કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. દારૂ પીવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં પત્નીને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર આરોપી મથુરાપ્રસાદ ઉર્ફે સોનુ પ્રજાપતિને ગાંધીનગરની સેશન્સ કોર્ટે આજીવન કેદની સખત સજા ફટકારી છે. મહત્વનું છે કે, આ કેસમાં પિતાને જ માતાની હત્યા કરતા જાેનાર સગીર પુત્રીની જુબાની આરોપીને સજા અપાવવામાં મહત્વની કડી સાબિત થઈ હતી.
અડાલજ વિસ્તારમાં દારૂ પીવા જેવી નજીવી બાબતે પત્નીની કરપીણ હત્યા કરનાર પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટનાની વિગત મુજબ તા. ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અદાણી શાંતિગ્રામની ઁજીઁ કોલોની સામે દંતાલી રેલ્વે પાટા નજીક બાવળની ઝાડીઓમાં આ હત્યા કરાઈ હતી. આરોપી પતિ મથુરાપ્રસાદ ઉર્ફે સોનુ પ્રજાપતિએ તેની પત્ની દિપીકા સાથે દારૂ પીવા બાબતે ઝઘડો કર્યો હતો.
જેથી, ઉશ્કેરાયેલા મથુરાપ્રસાદે પત્નીને ગડદાપાટુંનો મારામારી કાળા પથ્થરથી માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચાડી તેની હત્યા કરી નાખી હતી. બાદમાં મૃતકના ભાઈ ભરતકુમાર પ્રજાપતિ બહેનના ઘરે પહોંચ્યા હતા પરંતુ, દીપિકા જાેવા નહીં મળતા બનેવીને પૂછતા તેણે પહેલા ગલ્લાતલ્લા કર્યા હતા. આ બનાવ અંગે અડાલજ પોલીસ મથકના તત્કાલીન પીઆઇ એસ.આર. મૂછાળ દ્વારા તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે જઈને મથુરાપ્રસાદે કબૂલાત કરી હતી કે, દારૂ પીવા બાબતે ઝઘડો થતા પત્નીને મારી નાખી લાશને દંતાલી રેલ્વે પાટા પાછળ ઝાડીઓમાં છોડી દીધી છે. જે અંગે પોલીસે ઘટનાસ્થળ પર જઈને તપાસ કરતા બાવળની ઝાડીઓમાંથી દીપિકાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે અડાલજ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
આ કેસની ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ પ્રિતેશ ડી. વ્યાસ દ્વારા કરવામાં આવેલી અરજી બાદ કોર્ટે મૃતકની સગીર પુત્રીની જુબાની લીધી હતી. જેમાં સગીરાએ કોર્ટ સમક્ષ પોતાના પિતાને માતા પર હુમલો કરતા જાેયા હોવાની હકીકત જણાવી હતી, જે આ કેસમાં એકમાત્ર અને મજબૂત પ્રત્યક્ષ પુરાવો સાબિત થયો હતો. સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપીએ ચાર બાળકો હોવા છતાં ક્રૂરતાપૂર્વક પત્નીની હત્યા કરી છે અને સમાજમાં દાખલો બેસે તે માટે કડક સજા થવી જાેઈએ. જે દલીલોને ગ્રાહ્ય રાખી ગાંધીનગર કોર્ટના ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પી.એમ. ઉનડકટે આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.

