નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી કાર્યવાહી કરી છે. LCB ટીમે ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બલવાડા ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂ એક કન્ટેનરમાં છુપાવીને લઈ જવાઈ રહ્યો હતો. LCB સ્ટાફ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પી.આઈ. વી.જે. જાડેજાને ગુપ્ત બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ તરફ જતા હાઈવે પર દારૂ ભરેલું એક કન્ટેનર પસાર થવાનું છે. આ બાતમીના આધારે, પોલીસે બલવાડા ગામની સીમમાં સહયોગ હોટલ સામે વોચ ગોઠવી હતી.
વોચ દરમિયાન, બાતમી મુજબનું ટાટા કન્ટેનર (MH 04 GR 6655) ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોક્યું હતું. કન્ટેનરની તલાશી લેતા, તેમાંથી પાસ-પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (વ્હીસ્કી)ની કુલ 8,256 બોટલો મળી આવી હતી. પોલીસે ₹48,43,200ની કિંમતનો દારૂ અને કન્ટેનર સહિત કુલ ₹58,50,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹48,43,200ની કિંમતની 8,256 વિદેશી દારૂની બોટલો, ₹10 લાખનું ટાટા કન્ટેનર (MH 04 GR 6655), ₹5,000નો વીવો મોબાઈલ ફોન અને ₹2,000 રોકડાનો સમાવેશ થાય છે.

