Gujarat

દહેગામમાં LCBના દરોડામાં રૂ. 3 લાખનો દારૂ ઝડપાયો

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે જોષીની ખડકી સ્થિત એક મકાનમાં દરોડો પાડીને રૂ. 3 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો 2160 નંગ જથ્થો પકડી પાડ્યો છે. LCB ની આ સફળ કામગીરીથી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. જોકે દરોડા દરમિયાન રીઢો બુટલેગર સ્થળ પરથી પોલીસને હાથતાળી આપીને નાસી જવામાં સફળ રહ્યો હતો.

બાતમીના આધારે મકાનમાં દરોડો પાડ્યો ગાંધીનગર LCB ના PI દિવાનસિંહ વાળાની ટીમ દહેગામ વિસ્તારમાં વિશિષ્ટ પેટ્રોલિંગમાં હતી ત્યારે દહેગામ બસ સ્ટેન્ડ નજીક ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, લીંબચમાતાની ફળીમાં રહેતો રીઢો બુટલેગર ભાવસિંહ ઉર્ફે ભાવો પ્રહલાદસિંહ ઝાલા જોષીની ખડકી સ્થિત પોતાના મકાનમાં વિદેશી દારૂ સંતાડીને ગેરકાયદે વેચાણ કરતો હતો, જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

83 પેટીઓમાંથી 2160 નંગ દારૂ-બિયર જપ્ત દરોડાની ગંધ આવી જતાં બુટલેગર મકાન ખુલ્લું મૂકીને નાસી ગયો હતો. પોલીસે મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં પ્રથમ માળેથી વિદેશી દારૂ અને બિયરના ટીન ભરેલી 83 પેટીઓ મળી આવી હતી. LCB એ કુલ રૂ. 3 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર બુટલેગર ભાવસિંહ સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.