Gujarat

ગુજરાત સરકારની જિલ્લાવાર ધ્વજારોહણની યાદી જાહેર

રાજ્યપાલ વાવ-થરાદમાં, તો હર્ષ સંઘવી અમદાવાદમાં તિરંગો ફરકાવશે

રાજ્યમાં ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે ગુજરાત સરકારે જિલ્લાવાર ધ્વજારોહણ કાર્યક્રમની સત્તાવાર ફાળવણી જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા વાયરલેસ સંદેશ મુજબ રાજ્ય સ્તરીય ધ્વજારોહણ સમારોહ વાવ-થરાદમાં યોજાશે, જેમાં રાજ્યપાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. જિલ્લા સ્તરે ધ્વજારોહણ કાર્યક્રમો સવારે ૯ વાગ્યે યોજાશે. જેમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી અથવા કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. કયા જિલ્લામાં કોના દ્વારા ધ્વજારોહણ થશે તેની સંપૂર્ણ યાદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.

ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી અમદાવાદ જિલ્લામાં ધ્વજવંદન કરશે. જ્યારે અન્ય કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓને નવસારી, રાજકોટ, ગાંધીનગર, પોરબંદર, વડોદરા, મહેસાણા, ભાવનગર, કચ્છ સહિતના જિલ્લાઓ ફાળવવામાં આવ્યા છે. કેટલાક જિલ્લાઓમાં મંત્રી હાજર ન રહી શકે તો કલેક્ટર દ્વારા ધ્વજારોહણ કરવાની જાેગવાઈ પણ રાખવામાં આવી છે. સરકારે તમામ કલેક્ટરોને સૂચના આપી છે કે, કાર્યક્રમ સ્થળ જિલ્લા વહીવટ દ્વારા નક્કી કરવામાં આવે અને સંબંધિત મંત્રીઓના કાર્યાલય સાથે સમન્વય રાખવામાં આવે. રાજ્યભરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીને લઈ વહીવટી તંત્રમાં તૈયારીઓ તેજ બની છે અને સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવી છે.