Gujarat

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય- ઇનામ વિતરણ, ફાઈલ અને સ્ટીલની ડિશ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય- ઇનામ વિતરણ, ફાઈલ અને સ્ટીલની ડિશ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા

ઉચ્ચ શિક્ષણ માટે શુભેચ્છા સાથે શાળામાં સર્જાયો આનંદમય માહોલ:-

શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામની પ્રાથમિક શાળામાં શુક્રવારના રોજ ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે લાગણીસભર વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ માટે સ્નેહ, પ્રેરણા અને પ્રોત્સાહનનો અનોખો માહોલ સર્જાયો હતો. શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહે બાળકોના જીવનમાં યાદગાર ક્ષણો ઉભી કરી હતી.કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ 26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો, તે વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે અને અભ્યાસ સાથે સહપાઠ્ય પ્રવૃત્તિઓમાં પણ તેઓ આગળ વધે તે હેતુથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ધોરણ-8ના વિદ્યાર્થીઓને આગામી અભ્યાસક્રમમાં જરૂરી દસ્તાવેજો સાચવવા ઉપયોગી બને તે માટે ફાઈલનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ કટારીયા ભવાનભાઈ દ્વારા તમામ વિદ્યાર્થીઓને નાસ્તા માટે ઉપયોગી બને તેવી સ્ટીલની ડિશ ભેટરૂપે અર્પણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સ્નેહસભર ભેટોથી વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છલકાઈ ઉઠી હતી.
કાર્યક્રમને વધુ આનંદમય બનાવવા આચાર્ય ડોડીયા મહાદેવભાઈએ વિદ્યાર્થીઓને પાણીપુરીની મોજ કરાવી હતી, જેના કારણે સમગ્ર શાળામાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ પણ પોતાના શિક્ષકો અને શાળાપ્રતિ લાગણી વ્યક્ત કરી હતી.આ પ્રસંગે આચાર્ય ડોડીયા મહાદેવભાઈએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે શાળાનું પ્રાથમિક શિક્ષણ જીવનનો મજબૂત પાયો છે અને હવે આગળ વધીને દરેક વિદ્યાર્થીએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી પોતાના માતા-પિતા, ગામ અને શાળાનું નામ રોશન કરવું જોઈએ. સાથે જ તેમણે વિદ્યાર્થીઓને મહેનત, સંસ્કાર અને શિસ્તના માર્ગે આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી.
આ વિદાય સમારોહમાં ડોડીયા મહાદેવભાઈ, કટારીયા ભવાનભાઈ, પટેલ કલ્પેશભાઈ, રબારી ઈશ્વભાઈ, ચૌધરી પ્રવિણાબેન મોદી અને હેતલબેન સહિત શિક્ષકવર્ગ ઉપસ્થિત રહ્યો હતો. તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.લોટેશ્વર પ્રાથમિક શાળાનો આ વિદાય સમારોહ માત્ર ઔપચારિક કાર્યક્રમ ન રહ્યો, પરંતુ વિદ્યાર્થીઓના હૃદયમાં સંસ્કાર, પ્રેરણા અને શિક્ષકપ્રેમની મીઠી યાદો છોડી ગયો હતો. શાળાના આ લાગણીસભર આયોજનને ઉપસ્થિત સૌએ બિરદાવ્યું હતું.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

IMG-20260328-WA0081-0.jpg IMG-20260328-WA0082-1.jpg IMG-20260328-WA0080-2.jpg