Gujarat

ગિરનારની ગોદમાં ‘હર હર મહાદેવ’ના નાદ સાથે મિની કુંભનો પ્રારંભ

​જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં દર વર્ષે પરંપરાગત રીતે ઊજવાતો મહાશિવરાત્રિનો મેળો આ વર્ષે ‘મિની કુંભ’ તરીકે આસ્થાભેર શરૂ થયો છે. આજે(11 જાન્યુઆરી) સવારે સાધુ-સંતો, મહંતો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવના શિખર પર 55 કિલોના મજબૂત ધજા દંડ પર ધર્મની ધજા ચડાવવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા-અર્ચના બાદ ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના નાદ સાથે આજથી વિધિવત્ રીતે પાંચ દિવસીય મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ​ આ વર્ષે મિની કુંભના આયોજનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ટ્રાફિકના નિયમન માટે ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એને પગલે આજે સવારે જૂનાગઢ વહીવટી તંત્ર, મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સામાન્ય ભાવિકોની જેમ ભરડાવાવથી પગપાળા ચાલીને ભવનાથ મંદિર સુધી પહોંચ્યા હતા. આ આયોજન પાછળનો હેતુ લાખોની મેદની વચ્ચે ભાવિકોને કોઈ અગવડતા ન પડે એ સુનિશ્ચિત કરવાનો છે.