ગાંધીનગરમાં સાયબર છેતરપિંડીની એક ચોંકાવનારી અને ચિંતાજનક પેટર્ન સામે આવી છે. સામાન્ય રીતે સાયબર ફ્રોડના કિસ્સામાં ગઠિયાઓ લિંક મોકલીને, કોલ કરીને અથવા ઓટીપી મેળવીને બેંક ખાતામાંથી નાણાં ઉપાડી લેતા હોય છે.
પરંતુ તાજેતરમાં સામે આવેલા બે અલગ-અલગ કિસ્સામાં ભોગ બનેલા નાગરિકોએ ન તો કોઈને ઓટીપી આપ્યો છે કે ન તો કોઈ નાણાકીય ટ્રાન્ઝેક્શન કર્યું છે, તેમ છતાં તેમના બે-બે અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ રૂ.3 લાખથી વધુની રકમ બારોબાર ઉપાડી લેવાઈ છે. આ બંને મામલે સેક્ટર-7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ફોનમાં પૈસા ડેબિટ થયાનો મેસે જ આવ્યો ગાંધીનગરના વાસણીયા મહાદેવના મૂળ વતની અને હાલ સેક્ટર-3ડી ખાતે પરિવાર સાથે રહેતા અરવિંદગીરી શંકરગીરી ગોસ્વામી છત્રાલ જીઆઈડીસી સ્થિત ઈલાઈટ ઈલેક્ટ્રોનિક કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. ગત 11 નવેમ્બરના રોજ સવારે તેઓ ઘરે હતા, ત્યારે અચાનક તેમના મોબાઈલ પર સેક્ટર-16 સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકના ખાતામાંથી રૂ. 10 હજાર ડેબિટ થયા હોવાનો મેસેજ આવતા ચોંકી ઉઠ્યા હતા.
અન્ય બેંકના ખાતામાંથી પણ પૈસા ટ્રાન્સફર કરી લીધા આથી અરવિંદગીરીએ ગૂગલ પે મારફતે ઓનલાઈન સ્ટેટમેન્ટ તપાસતા માલૂમ પડ્યું કે તેમના ખાતામાંથી રૂ. 10 હજાર ઉપાડવામાં આવ્યાં. બાદમાં રૂ. 936 જમા થયા હતા અને ત્યારબાદ રૂ. 2300 ઉપાડવામાં આવ્યા હતા. વધુ આશ્ચર્યની વાત એ હતી કે, ખાતામાં જમા થયેલા રૂ. 936 કડી ખાતે આવેલા તેમના કેનેરા બેંકના ખાતામાંથી ઉપાડીને ટ્રાન્સફર થયા હતા.

