Gujarat

નખત્રાણા સોની સમાજે પોષી ચૌદસ નિમિત્તે 384મો પાટોત્સવ ધામધૂમથી ઉજવ્યો

નખત્રાણા સોની સમાજ દ્વારા પોષી ચૌદસ નિમિત્તે શ્રી કાલિકા માતાજીનો 384મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શ્રી મારુ કંસારા સોની જ્ઞાતિના કુળદેવી કાલિકા માતાજીના આ વાર્ષિક ઉત્સવમાં સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉજવણીના ભાગરૂપે સવારે નખત્રાણા સોની સમાજથી એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા વખાણ ચોક અને મુખ્ય બજારમાંથી બેન્ડ પાર્ટીના સથવારે પસાર થઈ હતી. શોભાયાત્રા દરમિયાન મહિલાઓએ રાસ-ગરબા રજૂ કર્યા હતા, જ્યારે ભાઈઓ, બહેનો અને બાળકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. સોની સમાજના આગેવાનોએ દુકાનો બંધ રાખીને આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

શોભાયાત્રા બાદ સોની સમાજવાડી ખાતે માતાજીની મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોર પછી મહિલાઓ માટે સંગીત ખુરશી જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી આ કાર્યક્રમના અંતે સોની સમાજના પ્રમુખ મહેશભાઈ સોનીના અધ્યક્ષસ્થાને એક જનરલ મીટિંગ યોજાઈ હતી.

આ બેઠકમાં અખિલ ભારતીય સોની સમાજના પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોની, લખમશીભાઈ કોટડીયા, કિશોરભાઈ સાકરીયા, જયેશભાઈ સોલંકી, મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન બગા, યુવક મંડળના પ્રમુખ રાજનભાઈ સોની, મહામંત્રી વરૂણભાઇ બારમેડા, હીરાલાલભાઈ સોની, હેમેન્દ્રભાઈ કંસારા અને ભરતભાઈ કટા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.