કચ્છના હવાઈ પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભુજથી દેશની રાજધાની દિલ્હી સુધીની હવાઈ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના હેતુથી એર ઇન્ડિયાની નવી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી છે.
આ નવી સુવિધા સાથે હવે કચ્છના મુસાફરોને દિલ્હી જવા માટે વધુ એક વિકલ્પ ઉપલબ્ધ બન્યો છે. ખાસ કરીને વ્યવસાય, સરકારી કામકાજ, નોકરી, અભ્યાસ અને તબીબી સારવાર માટે દિલ્હી જતાં લોકોને આ હવાઈ સેવા સમયની બચત કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે.
કચ્છ-મોરબી લોકસભા મતવિસ્તારના સાંસદ વિનોદ ચાવડાએ ભુજથી દિલ્હી માટે નવી ફ્લાઇટ શરૂ થવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આ હવાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ ગુજરાત સરકાર અને ભારત સરકારનો આભાર માન્યો હતો. નવી સેવા કચ્છના વિકાસ અને મુસાફરોની સુવિધા માટે ઉપયોગી બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

