અમદાવાદમાં પારિવારિક પ્રસંગ માણીને મોડી રાત્રે કલોલ પરત ફરી રહેલા પરિવારને અડાલજ પાસે કાળ ભેટી ગયો હતો. જ્યુપિટર ચાલક પુત્રએ હાઈવે પર પૂરઝડપે વાહન ચલાવી બમ્પ પર કુદાવતા પાછળ બેસેલા તેના 71 વર્ષીય માતા રોડ પર પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. જેમનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજતા નાના પુત્રએ પોતાના જ મોટા ભાઈ વિરુદ્ધ અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
બમ્પ કૂદાવીને કાબૂ ગુમાવતા મતા નીચે પટકાયા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કલોલના પાંચ હાટડી બજારમાં રહેતા રિઝવાનભાઈ મન્સૂરી અને તેમનો પરિવાર ગત તારીખ 25 એપ્રિલના રોજ અમદાવાદના દરિયાપુર ખાતે તેમના મોટાભાઈ જાવેદભાઈના ઘરે દાવતમાં ગયા હતા. આ કાર્યક્રમ પૂરો કરીને રાત્રે આશરે સાડા અગિયાર વાગે આખો પરિવાર કલોલ જવા રવાના થયો હતો.
ત્યારે રિઝવાનભાઈ અને તેમની પત્ની એક્સેસ પર આગળ જઈ રહ્યા હતા, જ્યારે તેમની પાછળ ઈરફાનભાઈ મન્સૂરી જ્યુપિટર પર માતા નસીમબાનુને પાછળ બેસાડીને જઈ રહ્યા હતા. દરમિયાન રાત્રે પોણા એકના અરસામાં અડાલજ ઝુંડાલ રોડ પર શ્રીનાથ ચોકડી પાસે ઈરફાનભાઈએ બમ્પ કૂદાવી વાહન પરનો કાબૂ ગુમાવતા તેના માતા નીચે પટકાયા હતા.

