જામનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર-કચ્છ મહિલા પાંખ દ્વારા ત્રીજા ‘એક્ઝિબિશન કમ સેલ’નો પ્રારંભ રણજીત નગર, પટેલ સમાજ ખાતે કરવામાં આવ્યો છે. મેયર સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ બે દિવસીય કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. આ પ્રદર્શન-સહ-વેચાણ શનિવાર અને રવિવાર, તા. ૧૫-૧૬ના રોજ સવારે ૯ થી રાત્રે ૯ વાગ્યા સુધી યોજાશે.

મહિલા સશક્તિકરણ અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ પ્રોજેક્ટમાં ૧૫૦ જેટલા મહિલા સંચાલિત સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. અહીં વિવિધ ગૃહ ઉપયોગી અને હસ્તકળાની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે.
આ પ્રદર્શન-સહ-વેચાણ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઇ મોનાણી, ભાજપ મહિલા પ્રમુખ બીનાબેન કોઠારી અને કલેક્ટર પી.બી. પંડયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના બહોળા પ્રમાણમાં નગરજનોએ પણ મુલાકાત લઈને મહિલા સાહસિકોનો ઉત્સાહ વધાર્યો હતો.

આ સફળ આયોજન જામનગર જિલ્લા-શહેર સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર-કચ્છનાં મહિલા જિલ્લા પ્રમુખ મનીષાબેન સુબડ અને જિલ્લા મહામંત્રી વૈશાલીબેનના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લા પ્રમુખ આશિષભાઇ જોષી, શહેર પ્રમુખ હીરેનભાઇ કનૈયા સહિતની વરિષ્ઠ અને યુવા ટીમ પણ જોડાઈ હતી.

