વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ‘અક્ષર ફોરેન એજ્યુકેશન’ નામના કન્સલ્ટન્સીના સંચાલક અનિત (અતિત) બારોટ સામે કૅનેડાના વર્ક પરમિટ વીઝા અપાવવાના બહાને 17 જેટલા લોકો સાથે રૂ. 2,30,95,600થી વધુની ઠગાઈ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. કારેલીબાગ પોલીસે ધવલકુમાર ગઢિયાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પત્નીના સહકર્મી મારફતે આરોપી સાથે સંપર્ક થયો હતો ફરિયાદી પોતાના પરિવાર સાથે વડોદરામાં રહે છે અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ફેબ્રુઆરી, 2024માં તેઓ કેનેડા વર્ક પરમિટ પર જવા ઇચ્છતા હતા, જેથી તેમની પત્નીના ઓફિસ સહકર્મી પીયૂષ શાહ મારફતે તેઓ અક્ષર ફોરેન એજ્યુકેશનના અનિત બારોટના સંપર્કમાં આવ્યા હતા.
અતિત બારોટે કેનેડા મોકલવા માટે રૂ. 17 લાખનો કુલ ખર્ચ બતાવ્યો હતો અને અડધા નાણાં પહેલાં તેમજ બાકીના નાણાં કેનેડા પહોંચ્યા પછી પગારમાંથી કાપવાની ખાતરી આપી હતી. જે બાદ ફરિયાદીએ સ્ટેમ્પ પેપર પર નોટરી કરાવીને બેંક ટ્રાન્સફર અને ચેક દ્વારા લાખો રૂપિયા અતિત બારોટના ખાતામાં જમા કરાવ્યા હતા.
બોગસ LMIA લેટર આપી આચરી છેતરપિંડી નાણાં મેળવ્યા બાદ અતિત બારોટે ફરિયાદીને ઈ-મેઈલ મારફતે ‘ATCO LTD’ કંપનીનો કથિત LMIA લેટર મોકલ્યો હતો. જોકે, ફરિયાદીએ જ્યારે આ અંગે કંપનીમાં ઈ-મેઈલ કરી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આ લેટર સંપૂર્ણપણે ખોટો અને બોગસ છે. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં ફરિયાદીએ નાણાં પરત માગ્યા હતા. આરોપી અતિત બારોટે રૂ.7.80 લાખનો ચેક આપ્યો હતો, પરંતુ તે બેંકમાં જમા કરાવતાં બાઉન્સ થયો હતો.
વડોદરા, અમદાવાદ સહિતના 17 લોકો ભોગ બન્યા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ વડોદરા ઉપરાંત ગાંધીનગર, ખેડા, અંકલેશ્વર, અમદાવાદ અને આણંદના અન્ય 16 જેટલા લોકોને પણ પોતાની જાળમાં ફસાવ્યા હતા. જોવિવેલ ક્રિસ્ટી, જયદીપ રબારી, ભગીરથ સાંગાણી, કેતન ઠક્કર સહિતના લોકો પાસેથી રૂ. 3 લાખથી લઈને રૂ. 22 લાખ સુધીની રકમો કેનેડા મોકલવાના બહાને પડાવી લેવામાં આવી હતી.

